Trending News
ક્રાઈમ

મુંદરાના શક્તિનગર પાસે ટ્રેઈલર હડફેટે એક્ટિવા ચાલકનું મોત

09 June


સવારે નોકરીએ જતા હતા ત્યારે બન્યો બનાવ : હોસ્પિટલમાં લોકો એકત્ર થયા : મુંદરા વિસ્તારમાં બેફામ બનેલા ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ 


મુંદરા - કચ્છઉદય : કચ્છના પેરીસ ગણાતા મુંદરામાં બંદર અને કંપનીઓના કારણે ભારે વાહનોની અવરજવર સતત રહે છે. વિકાસ માન્ય પરંતુ વિકાસના નામે મુંદરામાં વિનાશ થઈ રહ્યો હોય તેવા ઘટનાક્રમો સામે આવી રહ્યા છે. અહીંના લોકો ઘરેથી બહાર નિકળવામાં ડર અનુભવે છે. કારણ કે દરેક વિસ્તારમાં બેફામ દોડતા ભારે વાહનો યમદુત સમાન બની રહ્યા છે. ભારે વાહનો સામે કાર્યવાહી કરવા માટે આંદોલનો થયા, રજુઆતો થઈ, પરંતુ એક - બે દિવસની કાર્યવાહી પછી કોઈ પગલાં લેવાતા નથી. આજે સવારે શક્તિનગર પાસે ટ્રેઈલર હડફેટે એક્ટિવા ચાલકનું મોત થયું હતું.ઘટના સ્થળે અને મુંદરા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ શહેરના મહેશનગરમાં રહેતા ૬૪ વર્ષિય વાલજીભાઈ મુળજીભાઈ સોધમ પોતાના રોજીંદા ક્રમ પ્રમાણે એક્ટિવા લઈને નિકળ્યા અને તેઓ ખાનગી કંપનીમાં સિક્યુરીટી તરીકે નોકરીએ જતા હતા ત્યારે શક્તિનગર પાસે પીબી ૧૦ જેએમ ૯૭૮૬ નંબરના ટ્રેઈલર ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે મોત થયું હતું. બનાવને પગલે પરિવારજનો અને સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. મુંદરા મહેશ્વરી સમાજના કાનજીભાઈ સોંધરા, પચાણભાઈ મહેશ્વરી, ભરતભાઈ પાતારીયા, મહેશભાઈ સોધમ, કલ્યાણભાઈ ચુઈયા, નારાણભાઈ સોધમ સહિતના પહોંચી આવ્યા અને પરિવારને સાંત્વના આપી હતી. હતભાગી પાણી પુરવઠા વિભાગમાંથી રીટાયર્ડ 
થયા હતા. ઝીરો પોઈન્ટ ચોકીના કાનજીભાઈ રબારીએ જણાવ્યું કે, હતભાગી ખાનગી કંપનીમાં ફરજ પર જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે ટ્રેઈલર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM