નખત્રાણા તાલુકા નાની સિંચાઈના ડેમોના ભ્રષ્ટાચારના મૂળિયા ઉંડા
ખાણેત્રા ને પેચીંગના વિવાદમાં દેવસર ડેમની સવા કરોડની ફાળવેલી ગ્રાન્ટ ધુળ ખાય છે ? ગડાપુઠા ડેમની મરામંત જરૂરી
ધરતીપુત્રો, માલધારીની વારંવાર રજુઆતો નિષ્ફળ : ચોમાસું ઢુંકળુ છતાં ઝાડી સફાઈ- સમારકામની કામગીરી નથી થઈ : તાલુકાના ૧૬ ડેમોની હાલત પણ નબળી : ભ્રષ્ટાચારની લપેટમાં કામો જ નથી થયા
નખત્રાણા-કચ્છઉદય : તાલુકાના દેવસર ગામે આવેલ નાની સિંચાઈ નો ડેમની ર વર્ષ પહેલા સવા કરોડ રૂપિયાની મરામંત માટે ગ્રાન્ટ મંજુર થઈ છે પરંતુ ખાણેત્રાને પેચીંગના વિવાદમાં આ માતબર રકમની ગ્રાન્ટ ધુળ ખાય છે. આ બાબતે ત્યાંના ધરતીપુત્રોને માલધારી વર્ગમાં કચવાટ ફેલાયો છે.નાની સિંચાઈ કાયલાનો આ ડેમ પાણીનો વપરાશ થઈ જતા ખાલીખમ હાલતમાં છે. આસપાસના ચંદ્રનગર, દેવસર, રતામીંયા સહિતના પાંચથી સાત ગામોના ઢોર- ઢાંખર, વન્યપ્રાણીઓ, પક્ષીઓ, માટે પીવાના પાણી આશીર્વાદરૂપ હતા દાયકા અગાઉ નિર્માણ થયેલ આ ડેમની મરામંત ન થતા હવે ભંગાણની હાલત છે. ખેડુતોનું માલધભારીનું કહેવું છે કે ડેમો ઉંડા કરાય અને ખાણેત્રુ થાય જ્યારે સરકારી તંત્ર પરિપત્ર મુજબ પેચીંગ કામની રટણ કરે છે. આ વચ્ચે કરોડોની ગ્રાન્ટ ધળ ખાય છે અને સરકારનો હેતુ સરતો નથી.
આ બાબતે સિંચાઈના ઈજનેર મહેશભાઈ મેઘાણીનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે અગાઉ ૧ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ મંજુર થઈ છે. પરંતુ પેંચીગની કામગીરી કરવાની હોતા આ કામ અટવાયં છે. અને સરકારમાં નવી દરખાસ્ત મુકવામાં આવી છે. બીજીતરફ તાલુકાના ગડાપુઠા ડેમની હાલત પણ આવી જ છે. કોંગ્રેસના પીઢ અગ્રણી રમેશદાન ગઢવી કહ્યું કે આ ડેમની સત્વરે સમારકામ નહી થાય તો નિંચાણવાળા વિસ્તાર માટે જોખમ ઉભું થશે.
તાલુકાના નાની સિંચાઈના ૧૬ જેટલા ડેમો આવેલા છે. તેમાં આધોછની, થરાવડા, નરા, કોટડા (રોહા), અંગીયા નાના, ધાવડા, જાડાય, ચાવડકા, દેવીસર, ખારડીયા, દેવપર, ગડાપુઠા, ઉમરાપર, વિગોડી, ગાગણીયાનો સમાવેશ થાય છે અને આ કચેરીની હકુમત હેઠળ લખપતના ૧ર ગામો નાડ ેમો આવે છે. મોટાભાગે તમામ ડેમ તળિયા ઝાટક છે. કોંગ્રેસના રમેશદાન ગઢવીએ આ તમામ ડેમોની માહિતી માંગી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તાલુકામાં નાની સિંચાઈના ડેમોમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે. તેના મુળિયા ઉંડા છે. ડેમના મરામત માટે કોન્ટ્રાકટરો તથા અધિકારી દ્વારા ભ્રષ્ઠાચાર આચારવામાં આવે છે. સંકલનમાં પણ પ્રશ્ન ઉઠે છે. જવાબદાર અધિકારી જવાબ આપતા નથી. ત્યારે આ તાલુકાના તમામ ડેમો પર ચોમાસાના મંડાણ પહેલા મરામત કામ નહી કરાય તો નિંચાણવાળા વિસ્તારો માટે જોખમી બનશે અને તેની જવાબદારી સિંચાઈ ખાતાની રહેશે. ડેમોના અધુરા કામો પુરા કરવા ઝાડી કટીંગ કરવા, ખેચીંગ કરવા સહિતના કામોને ગતિશીલતા આપવા માંગ કરી હતી.

Comments