તાંત્રિક વિધિના નામે લોકોને ‘શીશા’માં ઉતારતી ટોળકી ઝડપાઈ
પધ્ધર પોલીસે સ્ત્રીનો વેશ ધારણ કરીને ફરતા શખ્સ સહિત ત્રણને પકડયા : આરોપીઓ સામે કચ્છ સહિત રાજયના જુદા જુદા વિસ્તારમાં ૧૧ જેટલા ગુના નોંધાયેલા : ભુજ તાલુકાના ગામોમાં નવો ‘શિકાર’ શોધવાની પેરવીમાં હતાને ઝડપાઈ ગયા
ભુજ - કચ્છઉદય : તમારી જિંદગીમાં નડતર છે, ધંધામાં ખોટ જાય છે, તેમ કહીને લોકોને વિશ્વાસમાં લઈ વિધિ કરવાના નામે ભુજમાં ફરતી ટોળકીને પધ્ધર પોલીસે ઝડપી પાડી હતી. આરોપીઓ સામે રાજકોટ વિસ્તારમાં અલગ અલગ ૧૧ જેટલા ગુના નોંધાયેલા છે.
આ બાબતે મળતી માહિતી પ્રમાણે પધ્ધર પીઆઈ એ. ડી. ખાંટની સુચનાથી સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે અલ્ટો કાર નંબર જી.જે. ૧૭ સી ૮૬૦૮ માં ત્રણ અજાણ્યા ઈસમો શંકાસ્પદ રીતે મળી આવ્યા હતા. જેમાં એક વ્યક્તિ સ્ત્રીનો વેશ ધારણ કરેલો મળી આવ્યો હતો. તે લોકો સાથે સંપર્ક કરી પોતાની પાસે વિશેષ શક્તિ હોવાનો આભાસ કરી વિશ્વાસ કેળવી ધાર્મિક વિધિ, પુજાપાઠ અથવા ધંધામાં બરકત અને જિંદગીમાંથી નડતર દુર કરવાના નામે પૈસા પડાવતા હતા. પોલીસે ત્રણેય શખ્સોને પકડીને પુછપરછ કરતા કબુલાત આપી કે તેઓ અલગ અલગ ગામોમાં જઈ રહેણાંક મકાનમાં રહેતા લોકોનો સંપર્ક કરી ઘરમાં દુઃખ, નડતર વગેરે બાબતે વાતચીત કરી વિધિ કરવાના નામે રોકડા અને વસ્તુ મેળવતા હતા. પોલીસે રાજકોટના પડધરી તાલુકાના તરગડી ગામના અરવિંદ નાથ ઉર્ફે ફુક્કો જીવણનાથ પરમાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેચ તાલુકાના કંબોઈ ગામના બળવંતભાઈ હીરાભાઈ વાદી, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમડીયા ગામના પરબત નથુભાઈ રાઠોડને પકડી લીધા હતા. પોલીસે રોકડા રૂા. ૧૭ર૪૦ તેમજ ચાર મોબાઈલ, ઘી, શ્રીફળ વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે.
’
.....................
અગાઉ અંજારમાં તાંત્રીક વિધિ અને દોષના નામે કરી હતી ઠગાઈ
આરોપી અરવિંદનાથ સામે અલગ અલગ ૧૧ ગુના નોંધાયેલા છે, જેમાં ર૦ર૧ માં અંજાર વિસ્તારમાં દંપતિને તાંત્રીક વિધિ કરવાનું કહી ઘરેણા અને રોકડ રકમ પડાવી હતી. તો અન્ય કિસ્સામાં દોષ નડતો હોવાનું કહી છેતરપીંડી કરી હતી. આ સિવાય અમદાવાદમાં માતાની વિધિના નામે ૮૧૦૦૦, ગાંધીનગરમાં બાળક બોલતું ન હોઈ બોલતું થઈ જશે તેમ કહી એક લાખની ઠગાઈ કરી હતી. રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસમાં ૯.૪૪ લાખની ચોરી, કુવાડવા પોલીસમાં ૧૦.૯ર લાખની સોપારી ચોરી, મોરબી પોલીસમાં ૧.પ૪ લાખની દુકાનમાંથી ચોરી, આ ઉપરાંત રાજકોટમાં ઈશ્વરી કૃપાના નામે ૧.ર૦ લાખની ઠગાઈ સાથે ગેરકાયદે પાંચ કિલો ગાંજો પણ કબજે કરાયો હતો. જે સહિતની બાબતે ગુના નોંધાયેલા છે.

Comments