Trending News
સ્થાનિક સમાચાર

કાનૂની જગતના ભીષ્મ પિતામહ અને કચ્છના રમતગમતપ્રેમી બહાદુરસિંહ જાડેજાની વિદાયથી શોકની લાગણી ફેલાઈ 

08 June



ભુજ-કચ્છઉદય : ગુજરાત બાર કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન, વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને કાનૂની ક્ષેત્રના અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ બહાદુરસિંહ જાડેજાના દુઃખદ નિધનથી સમગ્ર ગુજરાતના વકીલ વર્તુળમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અવસાનથી માત્ર કાનૂની ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક અને રમતગમત ક્ષેત્રે પણ એક અગ્રણી અને પ્રેરણાદાયી વ્યક્તિત્વની ખોટ ઊભી થઈ છે. 
બહાદુરસિંહ જાડેજાએ પોતાના લાંબા અને સફળ કારકિર્દી દરમિયાન કાયદાના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપ્યું હતું. ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે તેમણે વકીલાત વ્યવસાયની ગરિમા જાળવવા, વકીલોના હિતોની રક્ષા કરવા અને ન્યાયતંત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા નોંધપાત્ર કામગીરી કરી હતી. તેઓ કાયદાના ઊંડા જ્ઞાન, સ્પષ્ટ અભિગમ, નિડરતા અને સિદ્ધાંતનિષ્ઠા માટે સમગ્ર રાજ્યમાં આદર પામતા હતા. તેમના વ્યક્તિત્વની વિશેષતા એ હતી કે તેઓ યુવા વકીલો માટે હંમેશા માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા. અનેક વકીલોએ તેમની પાસેથી વ્યવસાયિક મૂલ્યો, નૈતિકતા અને કાનૂની સમજણ મેળવી પોતાના જીવનમાં પ્રગતિનો માર્ગ મેળવ્યો હતો. તેમના નિધનથી વકીલ આલમે એક બાહોશ, કર્મનિષ્ઠ અને અનુભવી માર્ગદર્શક ગુમાવ્યો છે.
કાનૂની ક્ષેત્રની સાથે સાથે કચ્છ જિલ્લામાં રમતગમત, ખાસ કરીને ક્રિકેટના વિકાસ માટે પણ તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. કચ્છમાં ક્રિકેટ અને અન્ય રમતગમત પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપી તેમણે અનેક યુવા ખેલાડીઓને આગળ વધવા માટેનું પ્રેરક વાતાવરણ પૂરું પાડ્યું હતું. રમતગમત પ્રત્યેનો તેમનો પ્રેમ અને સમર્પણ કચ્છના ખેલજગતમાં હંમેશા યાદ રહેશે. કચ્છના રમતપ્રેમીઓએ પણ એક સાચા શુભેચ્છક તથા પ્રણેતાને ગુમાવ્યા છે. તેમના જીવનકાર્ય, સેવાભાવ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
ભુજ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ એડવોકેટ વિમલ મહેતાએ બહાદુરસિંહ જાડેજાને કોટિ-કોટિ વંદન સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે તેમની વિદાય કાનૂની અને રમતગમત જગત માટે અપૂરણીય ક્ષતિ છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.
..............

Comments

COMMENT / REPLY FROM