Trending News
સ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુન્દ્રાના ૬ રસ્તાઓને ફોરલેન બનાવવા ૬૨૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા

08 June


મુન્દ્રા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી સુદ્રઢ કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય :  બાયપાસ અને વાઈડનીંગની કામગીરીથી ટ્રાફિક સમસ્યા થશે હળવી

ભુજ - કચ્છઉદય : કચ્છમાં માર્ગ કનેક્ટિવિટી ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની પરિવહન વ્યવસ્થાને વેગ આપવા અને સ્થાનિક જનતાને વધુ સુવિધા આપવાની જનહિતકારી નેમ સાથે મોટી નાણાકીય મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ કચ્છના મુન્દ્રા પંથકના મહત્વના ૬ રસ્તાઓને ફોરલેન એટલે કે ચાર માર્ગીય બનાવવા માટે કુલ ૬૨૯ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી છે. સરકારના આ નિર્ણયથી કચ્છના ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનું પરિવહન વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને પણ મોટો વેગ મળશે.
આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના જે મહત્વના માર્ગોને ચાર માર્ગીય કરવામાં આવનાર છે, તેમાં મુન્દ્રા લુણી વડાલા રોડના ૪.૧ કિલોમીટરના અંતરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશલપર સીરચા રોડના ૫.૧ કિલોમીટરના માર્ગના વાઈડનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ એટલે કે પહોળા કરવા અને સુધારણા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના ૫.૫ કિલોમીટરના બાયપાસ રોડ તેમજ નવીનાળ ગામના ૩.૩ કિલોમીટરના બાયપાસ રોડને પણ આ પ્રોજેક્ટમાં આવરી લેવાયા છે. તેની સાથે મોટા કાંડગરા ગામના ૪.૫ કિલોમીટરના માર્ગને તેમજ મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ ચેઈનેજ ૧૯થી ૩૯ વચ્ચેના ૨૦ કિલોમીટર લાંબા માર્ગને ફોરલેન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી અભિગમથી કચ્છના અંતરિયાળ વિસ્તારોનો વિકાસ મુખ્ય પ્રવાહ સાથે જોડાશે અને વાહનચાલકોના સમય તથા ઈંધણની પણ મોટી બચત થશે.
--------

Comments

COMMENT / REPLY FROM