Trending News
સ્થાનિક સમાચાર

‘પુષ્પા’ શૈલીની લાલ ચંદનની આંતરરાષ્ટ્રીય તસ્કરીના તાર કચ્છ સુધી લંબાયા ?

08 June



કંડલા બંદર થઈને ચીન મોકલાનારું કરોડોનું લાલ ચંદન કાષ્ઠ ઝડપાયું : ડીઆરઆઈએ ચેન્નાઈના કિંગપિનની ધરપકડ કરી રૂ. ૪.૧ કરોડનું રક્ત ચંદન જપ્ત કર્યું : દક્ષિણ ભારતમાં કડક ચેકિંગના ડરથી તસ્કરોએ કચ્છના કંડલા બંદરનો સેફ રૂટ તરીકે ઉપયોગ કરવાનું ઘડ્યું હતું આયોજન

ગાંધીધામ - કચ્છઉદય : સિનેમા જગતની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ શૈલીમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા લાલ ચંદન (રેડ સેન્ડર્સ)ની દાણચોરીના એક બહુ મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં તપાસકર્તાઓએ ચેન્નાઈ સ્થિત મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લીધી છે, જેના કનેક્શન ચીન, કંબોડિયા અને વિયેતનામ સુધી લંબાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અધિકારીઓએ અંદાજે રૂ. ૪.૧ કરોડની કિંમતનું ૧૦.૫ મેટ્રિક ટનથી વધુ પ્રતિબંધિત રક્ત ચંદન જપ્ત કરીને સરહદ પાર ચાલતા એક વ્યાપક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર છેક કચ્છ સુધી પણ જોડાયેલા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે, જેમાં તસ્કરો દ્વારા માલ વિદેશ મોકલવા માટે કચ્છના કંડલા બંદરનો મોટો આશ્રય લેવામાં આવી રહ્યો હતો.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દક્ષિણ ભારતના બંદરો પર કડક દેખરેખ હોવાને કારણે આ આંતરરાષ્ટ્રીય તસ્કરો કાયદાની નજરમાંથી બચવા માટે લાંબા અને વાંકાચૂકા રૂટનો ઉપયોગ કરતા હતા. આંધ્રપ્રદેશની શેષાચલમ ટેકરીઓમાંથી મેળવવામાં આવતું આ કિંમતી લાકડું પહેલા ગુપ્ત રીતે ચેન્નાઈના વેરહાઉસમાં લાવવામાં આવતું હતું. ત્યારબાદ, ભૌગોલિક રીતે દક્ષિણના બંદરો નજીક હોવા છતાં, ત્યાં કડક ચેકિંગના ડરથી તસ્કરોએ કચ્છના કંડલા બંદર તેમજ મુંબઈના ન્હાવા શેવા બંદરને પોતાના સુરક્ષિત માર્ગ તરીકે પસંદ કર્યા હતા. ઝડપાયેલા માસ્ટરમાઇન્ડની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આંધ્રપ્રદેશથી આ ગેરકાયદેસર જથ્થો નવી દિલ્હી થઈને કચ્છના કંડલા બંદર અથવા મુંબઈ બંદરે પહોંચાડવાનો હતો, જ્યાંથી તેને કન્ટેનર મારફતે ચીન મોકલવાનું આખું આયોજન ઘડવામાં આવ્યું હતું.આ કેસની વિગતો મુજબ, ગત વર્ષે ડિસેમ્બરમાં શ્રીપેરુમ્બુદુરમાંથી ૨.૭૭ કરોડ રૂપિયાની કિંમતનું ૫.૫૩ મેટ્રિક ટન લાલ ચંદન પકડાતાં આ રેકેટનો પ્રથમ સંકેત મળ્યો હતો. આ મુખ્ય આરોપી જેલમાંથી મુક્ત થયા બાદ ફરીથી સક્રિય થયો હતો, પરંતુ સજાગ બનેલી ડીઆરઆઈની ટીમે નવા પુરાવાઓના આધારે તેની ફરીથી ધરપકડ કરી લીધી છે. આ વખતે તે તિરુવન્નામલાઈની એક ટ્રાન્સફોર્મર ઓઇલ કંપનીના નામે કાર્ગો રૂટ કરીને ચેન્નાઈ બંદરથી કંબોડિયા થઈને ચીન માલ મોકલવાની પેરવીમાં હતો. આરોપીના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન કન્ટેનરમાં લાલ ચંદન છુપાવવાની ચેટ્‌સ, વિડીયો અને તસવીરો જેવા મજબૂત પુરાવા મળી આવ્યા છે, જે તેના આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને ભારતના સ્થાનિક લોજિસ્ટિક્સ એજન્ટો સાથેના સીધા સંબંધો સાબિત કરે છે.
ચીન અને જાપાન જેવા દેશોમાં રક્ત ચંદનની ભારે માંગ હોવાને કારણે આ કાળો કારોબાર અત્યંત નફાકારક બન્યો છે. ભારતમાં વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ આ લાકડાની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જોકે, ચીનના બજારમાં આ લાકડાનો ઉપયોગ અમીર વર્ગ માટે વૈભવી ફર્નિચર બનાવવા, પરંપરાગત સંગીતનાં સાધનો તૈયાર કરવા તેમજ મોંઘી લિપસ્ટિક, સૌંદર્ય પ્રસાધનો અને દવાઓમાં વપરાતા ખાસ લાલ રંગ (સેન્ટાલિન) મેળવવા માટે થાય છે.
 આ જંગી નફાની લાલચમાં તસ્કરો કંડલા જેવા મોટા અને વ્યસ્ત બંદરોનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે દેશની સુરક્ષા એજન્સીઓ હાલ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્થાનિક અને વિદેશી સાગરીતોને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



 

Comments

COMMENT / REPLY FROM