માધાપરમાં સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ઝડપાયું
આશાપુરા એન્ટરપ્રાઇઝના નામે ચાલતું હતું મ્યુલ બેંક એકાઉન્ટનું કૌભાંડ : ૪૭ દિવસમાં ૭.૭૪ કરોડથી વધુની શંકાસ્પદ લેવડ-દેવડઃ રિક્ષા ચાલક અને તેના સાથીદારની સંડોવણીનો પર્દાફાશ
ભુજ - કચ્છઉદય : કચ્છમાં સાયબર ગુનેગારો દ્વારા આચરવામાં આવતી ઓનલાઈન છેતરપિંડીને લઈને સરહદી રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા મેળવી છે. સમન્વય પોર્ટલ પર મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ કરતા એક એવા મ્યુલ બેંક એકાઉન્ટનો પર્દાફાશ થયો છે, જેના દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડની રકમની હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની માધાપર શાખામાં આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના નામે એક બેંક ખાતું મળી આવ્યું હતું. આ ખાતાની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે, તે મુકેશ ભરતભાઈ ગજરા (રહે. માધાપર, મૂળ રહે. સાંધાણ, તા. અબડાસા) નામના વ્યક્તિના નામે છે. આ ખાતું માત્ર ૪૭ દિવસ પહેલા જ ખોલવામાં આવ્યું હતું, પરંતુ આટલા ટૂંકા ગાળામાં તેમાં કુલ રૂ. ૭,૭૪,૧૫,૫૭૯ (સાત કરોડ ચુમોતેર લાખ પંદર હજાર પાંચસો ઓગણએસી) જેટલી માતબર રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મુકેશ ગજરા પોતે રિક્ષા ચલાવે છે. તેણે પોતાના બનેવીના ભાઈ ધીરજ શિવજી ભાનુશાલી (રહે. માધાપર) સાથે મળીને ઓનલાઈન છેતરપિંડી આચરતા લોકોને કમિશનના બદલામાં પોતાનું આ બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હતું. આ ગુનાહિત પ્રવૃત્તિ માટે તેને ધીરજ ભાનુશાલી દ્વારા રૂ. ૫૦ થી ૬૦ હજારનું કમિશન પણ આપવામાં આવ્યું હોવાની કબૂલાત કરી છે. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ગઠિયાઓએ દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ ૪૭ જેટલી છેતરપિંડી આચરી છે. જેમાં તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી, મધ્ય પ્રદેશ, કેરળ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. સાયબર ક્રાઈમ પોલીસે આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને આઈ.ટી. એક્ટની કલમ ૬૬-ડી હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Comments