Trending News
ક્રાઈમ

મુન્દ્રા પોર્ટમાં ૧૭.૮૩ કરોડનું કોલસા કૌભાંડઃ ઇન્ડોનેશિયન કોલસાના નામે યુ.એસ. કોલસાની હેરાફેરીનો પર્દાફાશ

08 June



ર૦ર૦ થી ર૦ર૬ દરમ્યાન ૧૪૮૬૪ મેટ્રીક ટન ઉચ્ચ ગુણવતાનો કોલસો બારોબાર સગેવગે કરાયો : અદાણીએ જેને કોન્ટ્રાકટ આપ્યો હતો તે પેઢીના કર્મચારીની શીફટ દરમ્યાન ટ્રકો મોકલાતી અને ઈન્ડોનેશીયનના બદલે યુએસ કોલસો ભરી અપાતો હોવાનું સામે આવ્યું : ચાર પેઢી - શખ્સો સામે મુંદરા પોલીસે નોંધાઈ ફરિયાદ


ભુજ - કચ્છઉદય : મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ એન્ડ એસ.ઈ.ઝેડ. લિમિટેડમાં કરોડો રૂપિયાનું મોટું કોલસા કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડે દેશના મોટા પોર્ટ ઓપરેશનમાં ચાલતી ગેરરીતિઓ પરથી પડદો ઉઠાવ્યો છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૬ દરમિયાન લાંબા સમયથી ચાલી રહેલા આ કૌભાંડમાં અંદાજે ૧૪,૮૬૪ મેટ્રિક ટન ઉચ્ચ ગુણવત્તાવાળો યુ.એસ. કોલસો કંપનીની જાણ બહાર સગેવગે કરી દેવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત ૧૭,૮૩,૬૮,૦૦૦ રૂપિયા થાય છે.
આ અંગેની વિગતો મુજબ, મુન્દ્રા અદાણી વેસ્ટ પોર્ટ પર જ્યારે વિદેશી શીપ બર્થ થાય છે, ત્યારે ત્યાંથી કોલસો કન્વેયર બેલ્ટ મારફતે વિવિધ કંપનીઓના યાર્ડમાં સ્ટોર કરવામાં આવે છે. આ સમગ્ર ઓપરેશનલ અને મેન્ટેનન્સ કામગીરી માટે ચેન્નઈ રાધા એન્જીનીયરીંગ વર્ક્‌સ અને માસ મરીન કંપનીને અદાણી પોર્ટ એન્ડ સેઝ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીમાં ગણતરી દરમ્યાન કોલસો ઓછો જણાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ સીતા ઇન્ટરનેશનલ ફર્મના ગાંધીધામના જીગરસિંહ વાઘેલા વીધી એન્ટરપ્રાઇઝ પાસેથી સસ્તો ઇન્ડોનેશિયન કોલસો ખરીદતા હતા. જ્યારે એ.ઈ.એલ. કંપનીના ઓફરોલ કર્મચારી ક્રિષ્ના ગોપાલ શ્રીગંગાપ્રસાદ મોહનલાલ પવાર (રહે.મુળ દિલ્હી હાલે મુંદરા) ની નાઈટ શિફ્ટ હોય, ત્યારે જ ટ્રકોને વેસ્ટ પોર્ટ પર મોકલાતી હતી. ત્રિશુલ ટ્રાન્સપોર્ટના શક્તિસિંહ ઝાલા દ્વારા બનાવવામાં આવેલા ગેટપાસનો ઉપયોગ કરીને ટ્રક યાર્ડમાં પ્રવેશતી હતી. ચેન્નઈ રાધા કંપનીના લીંકુ શ્રીચંદનની મદદથી ઈન્ડોનેશિયન કોલસાના બદલે અદાણી એન્ટરપ્રાઇઝના યાર્ડમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો અને મોંઘો યુ.એસ. કોલસો ટ્રકમાં લોડ કરી દેવામાં આવતો હતો. 
અદાણી પોર્ટ એન્ડ સેઝના વેસ્ટ પોર્ટમાં બેકઅપ યાર્ડ અને જેટીના ઇન્ચાર્જ પંકજભાઈ પેથાણીએ મુંદરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ સમગ્ર ગોટાળો ત્યારે ધ્યાનમાં આવ્યો જ્યારે તેમણે ૨૦૨૦-૨૧ થી ૨૦૨૫-૨૬ સુધીના યુ.એસ. કોલસાના ડેટાની સિસ્ટમ (એ.પી.એમ.એસ. અને આઈ-પોસ) સાથે સરખામણી કરી. ડેટા ચકાસતા માલૂમ પડ્યું કે ૧૪,૮૬૪ મેટ્રિક ટન કોલસો ઓછો હતો. અગાઉ આ નુકસાનને સામાન્ય લોસ ગણવામાં આવતું હતું, પરંતુ પાછળથી આ એક સુનિયોજિત ગુનાહિત કાવતરું હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી પંકજભાઈ પેથાણીએ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ આ ગંભીર કૌભાંડ અંગે ગુનો દાખલ થયો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ક્રિષ્ના ગોપાલ, જીગરસિંહ વાઘેલા, શક્તિસિંહ ઝાલા અને લીંકુ શ્રીચંદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડે કોર્પોરેટ જગતમાં સુરક્ષા અને કર્મચારીઓની પ્રામાણિકતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ કૌભાંડમાં હજુ અન્ય મોટા માથાઓની સંડોવણી હશે? તે તો હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. 


..........



ઉચ્ચ ગુણવતાનો કોલસો ભરી આપવા માટે અપાતું હતું કમીશન


આ ગેરરીતિ બદલ મુખ્ય આરોપી ક્રિષ્ના ગોપાલ, જીગરસિંહ વાઘેલા પાસેથી પ્રતિ ટન ૧,૨૦૦ થી ૧,૬૦૦ રૂપિયા સુધીનો આર્થિક લાભ મેળવતો હતો. આ મળેલા કમિશનમાંથી તે લીંકુ શ્રીચંદન અને શક્તિસિંહ ઝાલાને પણ કામગીરીમાં મદદ કરવા બદલ રકમ ચૂકવતો હતો.


 

Comments

COMMENT / REPLY FROM