Trending News
ક્રાઈમ

મુન્દ્રામાં ગુજરાત એટીએસનું ગુપ્ત સર્ચ ઓપરેશન : પાકિસ્તાનથી આવેલા  જહાજની સઘન તપાસ શરૂ

08 June



મુંબઈ તરફ જઈ રહેલા જહાજને રોકીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું ; તાજેતરમાં જ મુન્દ્રામાંથી ઝડપાયું હતું રૂ. ૧,૧૮૦ કરોડનું કોકેઈન

એટીએસ ગુજરાતની ટીમ મુંદરા આવી અને અમુક સીએફએસમાં તપાસ કરી અથવા તો દસ્તાવેજો સાથે તેમને તેડા મોકલી પૂર્વ વિગતો ચકાસી હોવાની ચર્ચા : કેપ્ટાગોન ડ્રગ્સનો જથ્થો પકડાયા પહેલા પણ અહીથી મોટી માત્રામાં નીકળી ગયો હોવાની આશંકા : કયા બની બેઠલા સીએફએસવાળાઓના લેવાયા છે પુછાણા? લાકડાના કન્સાઈનમેન્ટની હેરફેર વાળાઓનો તો ઉધડો નથી લેવાઈ રહ્યો ને? શું મુંદરા પહોચેલી ટીમ સાંજ સુધીમાં ગાંધીધામ 
બાજુ પણ ત્રાટકશે ખરી?


ઓપરેશન સિંદુર વખતે ભારત સરકારે સીધું પાકીસ્તાનથી ભારત જહાજ ન આવી શકે તે પરિપત્રની અમલવારીમાં છટકબારી સુધી કરાંચીથી લોડ થયેલ ચીજવસ્તુઓ ઓમાન અથવા અન્યત્રથી દેખાડી ભારત-મુંદરામાં આવતા હોવાના મુદ્દે તો કયાંક આંતકવાદ વિરોધી દળ ત્રાટકીને આવા પાકીસ્તાની જહાજ પર છાનબીન તો નથી આદરી રહી ને?



ભુજ - કચ્છઉદય : કચ્છના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા મુન્દ્રા બંદરે ગુજરાત આતંકવાદ વિરોધી દળ (એટીએસ) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત બાતમીના આધારે એટીએસની ટીમે વહેલી સવારથી જ મુન્દ્રા બંદરે પહોંચીને પાકિસ્તાનથી આવેલા એક શંકાસ્પદ જહાજને રોકી લીધું છે અને તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. આ હિલચાલને પગલે સમગ્ર બંદર વિસ્તાર સહિત સુરક્ષા એજન્સીઓમાં ભારે ઉત્તેજના અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ શંકાસ્પદ જહાજ પાકિસ્તાનથી આવ્યું હતું અને મુન્દ્રા બંદર થઈને મુંબઈના ન્હાવા શેવા બંદર તરફ આગળ વધવાનું હતું. જો કે, જહાજમાં કોઈ વાંધાજનક કે શંકાસ્પદ સામગ્રી હોવાની પાકી આશંકા સેવાતાં જ એટીએસની ટીમે તુરંત એક્શનમાં આવીને તેને આંતરી લીધું હતું. હાલમાં આ ઓપરેશન સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું છે અને જહાજમાંથી હજુ સુધી કોઈ ચોક્કસ વસ્તુ કે સામગ્રી પકડાઈ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.આ સમગ્ર સર્ચ ઓપરેશનની ખાસ વાત એ છે કે ગુજરાત એટીએસ દ્વારા આ તપાસ તદ્દન સ્વતંત્ર રીતે ચલાવવામાં આવી રહી છે. આ ઓપરેશનમાં હાલ પૂરતું કસ્ટમ્સ વિભાગ કે અન્ય કોઈ કેન્દ્રીય સુરક્ષા એજન્સીને સામેલ કરવામાં આવી નથી. સુરક્ષાએજન્સીઓ હાલ અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે અને એટીએસના ઉચ્ચ અધિકારીઓ તરફથી પણ તપાસના આદેશો વચ્ચે મૌન સેવવામાં આવ્યું છે. સમગ્ર તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ મામલે મોટો ખુલાસો થવાની સંભાવના છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મુન્દ્રાનો દરિયા કિનારો અગાઉ પણ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને સ્મગલિંગના રડારમાં રહ્યો છે. હજુ ગત ૨૭ મે ૨૦૨૬ના રોજ જ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ જ દરિયાકાંઠેથી આશરે રૂ. ૧,૧૮૦ કરોડની કિંમતનું ૧૧૮.૯૭ કિલોગ્રામ જેટલું મસમોટું કોકેઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. બ્રાઝિલથી પાકિસ્તાન થઈને ભારતમાં ઘુસાડવામાં આવી રહેલો આ ડ્રગ્સનો જથ્થો છેક દિલ્હી સુધી પહોંચાડવાનો હતો. આ અગાઉની મોટી સફળતા બાદ એટીએસ વધુ સક્રિય બની છે, ત્યારે પાકિસ્તાન કનેક્શન ધરાવતા આ વર્તમાન જહાજની તપાસમાંથી શું બહાર આવે છે તેના પર સૌની નજર 
મંડાયેલી છે.

Comments

COMMENT / REPLY FROM