કોલસા ચોરીના કાળા કારોબાર પર LCB સપાટોઃ૨૨.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત : એક ઝડપાયો
મીઠીરોહરમાં ખુલ્લા વાડામાં સંતાડેલો ૧૬૪.૯ ટન કોલસાનો જથ્થો ઝડપાયો, ચાર શખ્સો ફરાર
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કોલસા ચોરી અને છળકપટથી મેળવાયેલા માલના ગેરકાયદેસર વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા મીઠીરોહર ગામે ન્ઝ્રમ્ની ટીમે દરોડો પાડી ૧૬૪.૯ ટન કોલસાનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં હારૂન અધાભાઈ સોઢાના કબ્જા હેઠળના ખુલ્લા વાડામાં અલગ-અલગ ટ્રક અને ટ્રેલરમાંથી ચોરી અથવા છળકપટથી મેળવાયેલ કોલસો ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન કોલસા અંગે કોઈ બિલ કે આધારભૂત દસ્તાવેજ રજૂ ન કરી શકાતા પોલીસે સમગ્ર જથ્થો કબ્જે લીધો હતો.આ કેસમાં હારૂન અધાભાઈ સોઢાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે જીગરસિંહ વાઘેલા, અકબર હજામ, સંજય વર્મા અને કમલેશ ઉર્ફે કમો ડામોર નામના ચાર આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ૧૬.૧૯ લાખનો કોલસો, બે લોડર વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ ૨૨.૨૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ અને ન્ઝ્રમ્ ટીમે આ સફળ કાર્યવાહી અંજામ આપી હતી. ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.
...........
કોલસા ચોરીના પર્દાફાશ બાદ ઉઠતા અનેક સવાલો
• મીઠીરોહરના ખુલ્લા વાડામાં ૧૬૪.૯ ટન કોલસાનો જથ્થો કેટલા સમયથી એકત્ર કરવામાં આવી રહ્યો હતો? •આ કોલસો મૂળ ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેની ચોરી કે
છળકપટની કડીઓ ક્યાં સુધી પહોંચે છે? •કોલસાનો જથ્થો આગળ કયા ઉદ્યોગો, વેપારીઓ કે સ્થળોએ પહોંચાડવામાં આવતો હતો? •આટલા મોટા પાયે કોલસાની હેરફેર દરમિયાન કયા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમની વિગતો શું છે? • સ્થાનિક સ્તરે સતત ટ્રક-ટ્રેલરોની અવરજવર છતાં કોઈ સરકારી એજન્સી કે પોલીસ તંત્રના ધ્યાનમાં આ પ્રવૃત્તિ કેમ ન આવી? •ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારના કયા ભ્રષ્ટ તત્વો આ ગેરકાયદેસર કારોબારને છાવરી રહ્યા હતા?•માત્ર એક જ વ્યક્તિની ધરપકડથી સંતોષ માનવામાં આવશે કે સમગ્ર રેકેટના સૂત્રધારો સુધી તપાસ પહોંચશે? •કોલસા ચોરી અને ગેરકાયદેસર વેચાણનું આ નેટવર્ક પૂર્વ કચ્છના અન્ય વિસ્તારોમાં પણ સક્રિય છે?•અગાઉ પણ આવા જથ્થાઓની હેરફેર થઈ હોવાની શક્યતા છે? જો હા, તો તેની તપાસ કોણ કરશે? •ન્ઝ્રમ્ની કાર્યવાહીમાં ખુલાસો થયા બાદ હવે સ્થાનિક
પોલીસની ભૂમિકા અંગે વિભાગીય તપાસ થશે? •કોલસાના કાળા કારોબારમાં સંકળાયેલા આર્થિક લાભાર્થીઓ અને સફેદપોશ ચહેરાઓ સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવશે? •ફરાર ચાર આરોપીઓ ઝડપાયા બાદ આ સમગ્ર રેકેટના વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવશે?
..........
કોલસા ચોરોના આતંક સામે લાલઆંખ જરૂરી,
નહીં તો કંડલાનો વેપાર માફિયાઓના કબજામાં!
વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો પર ડબલ માર, કોલસા ચોરોની સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી કરવાની માંગઃ કોલસા ચોરીના કાળા કારોબારે ફરી માથું ઊંચક્યું, ભ્રષ્ટ તત્વોની ભૂમિકા પણ તપાસના ઘેરામાં : મંદીથી ત્રસ્ત વેપારીઓને વધુ એક ફટકો, ચોરો અને તેમને છાવરતા તત્વો સામે કાયદા નો ધોક્કો ઉઘામો : કંડલા બંદર આધારિત વેપાર માટે ખતરની ઘંટડી, કોલસા માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની માંગ ઉઠી : આટલી મોટી ચોરી તંત્રની જાણ બહાર કેવી રીતે? કોલસા ચોરોના નેટવર્ક પર ગંભીર સવાલો : વેપારીઓના માલ પર હાથફેરો, ટ્રાન્સપોર્ટરોને નુકસાન; કોલસા ચોરો સામે કડક હિસાબનો સમય
એલસીબીની કાર્યવાહીથી ખુલ્યો કાળા કારોબારનો પર્દાફાશ, હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચે તપાસ : પડ્યા પર પાટા સમાન સ્થિતિમાં વેપારીઓ, કોલસા ચોરી રોકવામાં નિષ્ફળ તંત્ર સામે પણ સવાલો : કોલસા ચોરોની હિંમત પાછળ કોનો હાથ? પૂર્વ કચ્છમાં ધમધમતા કાળા કારોબારની ઊંડી તપાસની માંગ
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલો કોલસાનો જંગી જથ્થો માત્ર એક ગુનાનો પર્દાફાશ નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફરી માથું ઊંચકી રહેલા કોલસા ચોરીના કાળા કારોબારની ગંભીર હકીકત ઉજાગર કરે છે. એલસીબીની કાર્યવાહીએ સ્પષ્ટ કરી દીધું છે કે પૂર્વ કચ્છમાં કોલસા ચોરોની સંગઠિત સિન્ડિકેટ ફરી સક્રિય બની છે અને કરોડો રૂપિયાના વેપારને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી આર્થિક મંદી અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે કંડલા સહિતના બંદર આધારિત વેપાર પર પહેલેથી જ માઠી અસર પડી રહી છે. કોલસાના વેપારીઓ માટે પરિસ્થિતિ કફોડી બની ચૂકી છે. આવા સમયમાં મહામહેનતે મંગાવેલો કોલસો ચોરી થઈ જાય ત્યારે વેપારીઓ માટે તે પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જે છે. એક તરફ વેપાર મંદીનો માર સહન કરવો પડે છે અને બીજી તરફ કોલસા ચોરોની સિન્ડિકેટ તેમના માલ પર હાથફેરો કરી રહી છે. માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ કોલસાના પરિવહન સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો પણ આ ગેરકાયદેસર કારોબારના કારણે ભારે નુકસાન ભોગવી રહ્યા છે. ડીઝલના વધતા ખર્ચ, ઓછી આવક અને સ્પર્ધાત્મક બજાર વચ્ચે સાચા ટ્રાન્સપોર્ટરો પહેલેથી જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે કોલસા ચોરો અને તેમના નેટવર્ક દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમના વ્યવસાય પર વધુ એક ઘાતક પ્રહાર સમાન બની રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં કોલસાની ચોરી, સંગ્રહ અને હેરફેર થતી હોય છતાં સંબંધિત તંત્રોને તેની જાણ ન હોય તે કેવી રીતે શક્ય બને? ભારે વાહનોની અવરજવર, ખુલ્લા સ્થળોએ જથ્થાનો સંગ્રહ અને લાંબા સમયથી ચાલતી પ્રવૃત્તિઓ કોઈની નજર બહાર રહે તે વાત સામાન્ય જનતા ગળે ઉતારે તેવી નથી. આ કારણે માત્ર કોલસા ચોરો સામે જ નહીં, પરંતુ આવા તત્વોને આડકતરી રીતે રક્ષણ આપતા અથવા આંખ આડા કાન કરતા ભ્રષ્ટ ખાખીધારીઓ અને અન્ય જવાબદાર તત્વોની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થવી જરૂરી બની છે. સમયની માંગ છે કે કોલસા ચોરીના એકલદોકલ બનાવ તરીકે આ કેસને ન જોવામાં આવે. સમગ્ર નેટવર્ક, તેના આર્થિક લાભાર્થીઓ, ખરીદદારો, વાહન વ્યવસ્થા સંભાળતા તત્વો અને તેમને છાવરતા ભ્રષ્ટ તંત્રના લોકો સુધી તપાસ પહોંચવી જોઈએ. કોલસા ચોરોને માફિયા બનતા અટકાવવા માટે માત્ર ગુનો નોંધવો પૂરતો નથી, પરંતુ એવી કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ તત્વ કંડલા અને પૂર્વ કચ્છના વેપાર જગતને નિશાન બનાવવાની હિંમત ન કરી શકે. આખરે, સાચા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને બચાવવા માટે કોલસા ચોરીના કાળા કારોબાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જ પડશે. નહીં તો આવનારા સમયમાં કોલસા ચોરોની સિન્ડિકેટ વેપાર વ્યવસ્થાને જ બાનમાં લઈ લે તેવી ભીતિ નકારી શકાય તેમ નથી.
.............

Comments