Trending News
શિક્ષણ સમાચાર

કચ્છ યુનિવર્સિટીનો નિર્ણય : આગામી શૈક્ષણિક વર્ષથી વિવિધ સેલ્ફ ફાયનાન્સ કોર્સ ગ્રાન્ટેડ ધોરણે ચાલશે

06 June


રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના સઘન પ્રયાસોની ફળશ્રુતિ 


પૂરતા પ્રમાણમાં શૈક્ષણિક સ્ટાફ ઉપલબ્ધ થતાં કુલપતિ ડૉ. મોહન પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયો નિર્ણય : ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓને ફી ઘટાડાનો મોટો આર્થિક લાભ મળશે


ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી કેમ્પસ ખાતે કાર્યરત વિવિધ અનુસ્નાતક ભવનોમાં ભૂતકાળમાં ગ્રાન્ટેડ શૈક્ષણિક સ્ટાફની અછત હોવાના કારણે કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસક્રમો ફરજિયાતપણે સેલ્ફ ફાયનાન્સ ધોરણે ચલાવવા પડતા હતા. જોકે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના સઘન પ્રયાસોથી યુનિવર્સિટીમાં ૩૨ શૈક્ષણિક જગ્યાઓ ભરાઈ ચૂકી છે. આ નવા અધ્યાપકો જે ભવનોમાં હાજર થયા છે તે ભવનો હવેથી ગ્રાન્ટ-ઇન-એઇડ તરીકે ગણાશે. પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટેડ સ્ટાફ ઉપલબ્ધ થતાં જ યુનિવર્સિટી સત્તામંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી એલએલએમ, એમએસડબલ્યુ, બીએસ કમ્પ્યુટર સાયન્સ, એમ એસસી, આઈટી (રેગ્યુલર), પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એમએ ઇતિહાસ જેવા સેલ્ફ ફાયનાન્સ અભ્યાસક્રમોને ગ્રાન્ટેડ ધોરણે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કુલપતિ ડૉ. મોહન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં આ નિર્ણય પર મહોર મારવામાં આવી હતી.
આ તમામ વિભાગો ગ્રાન્ટેડમાં ફેરવાઈ જવાથી હવેથી આ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી સેલ્ફ ફાયનાન્સની ઊંચી ફી વસૂલવામાં આવશે નહીં, જેના કારણે ફી માળખામાં વિદ્યાર્થીઓને બહુ મોટી રાહત મળશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી આ તમામ કોર્સની ફી યુનિવર્સિટીના ગ્રાન્ટેડ વિભાગના નિયમો અને ધારાધોરણો મુજબ જ લેવાશે. આ નિર્ણય અંગે માહિતી આપતા કુલપતિ ડૉ. મોહન પટેલે જણાવ્યું હતું કે, આ સુધારાથી યુનિવર્સિટીના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓને સીધો ફી ઘટાડાનો લાભ મળવાનો છે. આ આર્થિક ફેરફારને કારણે કચ્છ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મધ્યમ તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને મોટો આર્થિક ફાયદો થશે અને તેઓ અત્યંત નજીવી ફી ભરીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આ નવીન સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM