Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની મીની સંસદમાં હવે કસદાર સમિતિઓ માટે સળવળાટ : રાજકિય ઉત્કંઠાઓ તેજ

06 June



જિલ્લા પંચાયતમાં હવે ‘સમિતિ’ના અધ્યક્ષપદ માટે આંતરિક ખેંચતાણ : કામે લાગ્યા લોબિંગના ‘કિંગ‘ : સત્તાની વહેંચણી પછી હવે સમિતિઓ માટે દોડધામ શરૂ 

મુખ્ય હોદ્દેદારોમાં પ્રમુખ અંજાર, ઉપપ્રમુખ અબડાસા, કારોબારી ચેરમેન ભુજ વિસ્તાર, શાશકપક્ષના નેતા પણ ભુજ વિસ્તારમાથી અને દંડક માંડવીના પસંદગી પામી ચુકયા છે, એટલે હવે લખપત, મુંદરા-રાપર-ભચાઉ, નખત્રાણા વિસ્તારને મળી શકે છે સમીતીઓમાં પ્રાધાન્ય : જ્ઞાતિવાર ચિત્રમાં પણ એસટી, પાટીદાર, ક્ષત્રીય, અને આહીર સમુદાયને મળી ચૂકયુ છે પ્રતિનિધિત્વ : સામાજિક ન્યાય સમિતિ નખત્રાણા, સિંચાઈ મુંદરા વિસ્તારને ફાળે જઈ શકે છે 


વિધાનસભા ર૦ર૭ને લક્ષ્યમાં રાખી જ્ઞાતિ-જાતી-વિસ્તાર, પક્ષના મોભીઓ-આગેવાનો સહિતનાઓને ધ્યાને રાખી સમતોલ રીતે કરાશે વરણીઓ : બાંધકામ-સીંચાઈ, શિક્ષણ, આરોગ્ય જેવી કસદાર સમિતિઓ માટે એડી ચોટ્ટીના લાગી રહ્યા છે જોર


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન સહિતના મહત્વના પદોની વરણી બાદ હવે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. આગામી દિવસોમાં વિવિધ સાત સમિતિઓની રચના થવાની હોઈ, સત્તાધારી પક્ષમાં હવે સમિતિઓના ‘ચેયરમેન’ બનવા માટે સભ્યોએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પ્રભાબેન મેરામણ રબારી (ભીમાસર ચકાસર બેઠક), ઉપપ્રમુખ પદે મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા (નલિયા બેઠક) અને કારોબારી ચેરમેન પદે હરેશભાઈ ભંડેરી (ભુજ સુખપર બેઠક)ની વરણી બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ ઉપરાંત ધનજીભાઈ ખીમાભાઈ ચાવડા શાસક પક્ષના નેતા અને મેઘબાઈ જીવરાજ ગઢવી દંડક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. મુખ્ય પદોની વહેંચણી પૂર્ણ થતાં જ હવે સભ્યોની નજર મહત્વની સમિતિઓ પર મંડાઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કારોબારી સમિતિના ચેરમેન પદની ફાઈનલ જાહેરાત બાદ હવે બાકી રહેલી સમિતિઓ જેવી કે બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, મહિલા અને બાળ વિકાસ તેમજ સામાજિક ન્યાય સમિતિમાં પોતાનું નામ ફાઈનલ કરાવવા માટે સભ્યોએ ‘લોબિંગ‘ શરૂ કરી દીધું છે. ખાસ કરીને બાંધકામ સમિતિ જેવા મલાઈદાર અને મહત્વના ગણાતા પદ માટે સભ્યોમાં વધુ સ્પર્ધા જોવા મળી રહી છે.રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, અઢી વર્ષના કાર્યકાળના સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ કેટલાક સભ્યો અત્યારે શાંત બેસીને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, કારોબારી ચેરમેન પદ કે અન્ય મહત્વના હોદ્દાઓ પર સેટ થયેલા સભ્યો સાથે તાલમેલ બેસાડીને પોતાની છાપ છોડવા માટે પણ નવા ચૂંટાયેલા સભ્યો મથામણ કરી રહ્યા છે. ભાજપના આંતરિક વર્તુળોમાં આ ‘સમિતિના સંગ્રામ‘ને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, પક્ષ મોવડી મંડળ દ્વારા કોના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવે છે અને કોનું નસીબ ચમકે છે. જિલ્લા પંચાયતની ઓફિસમાં અત્યારે સભ્યોની અવરજવર વધી ગઈ છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો ચરમસીમા પર હશે.

Comments

COMMENT / REPLY FROM