Trending News
ક્રાઈમ

ગાંધીધામ આવતો ૪૭.૮ર લાખનો દારૂ વિરમગામ પાસે પકડાયો

06 June



વિરમગામ પોલીસે હાંસલપુર ચોકડી પર વોચ ગોઠવી રાજસ્થાનના બૂટલેગરને દબોચી લીધો : ટ્રેલર સહિત ૫૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીધામ - કચ્છઉદય : અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને ડામવા માટે પોલીસ દ્વારા આદરેલી કડક ઝુંબેશ અંતર્ગત વિરમગામ રૂરલ પોલીસને મોટી સફળતા સાંપડી છે. ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે એક ટાટા ટ્રેલરમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડી કુલ ૫૮ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેન્જના આઈજી રાઘવેન્દ્ર વત્સ અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ વિરમગામ વિભાગના ડીવાયએસપી તપન ડોડીયાની સૂચનાથી રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરમશીભાઈને બાતમી મળી હતી કે,એક ટાટા ટ્રેલર નંબર એમએચ-૪૩-બીએકસ-૮૭૬૬માં વિદેશી દારૂનો જથ્થો ભરીને વિરમગામ થઈ હાંસલપુર ચોકડી માર્ગે ગાંધીધામ તરફ જઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.ઝાલા, પીએસઆઈ એચ.એસ.રાવત અને કલ્પેશભાઈ સહિતના સ્ટાફે હાઈવે પર વોચ ગોઠવી હતી. શકમંદ ટ્રેલરને આંતરીને તપાસ કરતા તેના પાછળના ભાગમાંથી ૧૮૦ મિલીની કંપની સીલબંધ વિદેશી દારૂની કુલ ૩૮,૨૫૬ બોટલો (આશરે ૬૮૮૬ લીટર) મળી આવી હતી. પોલીસે ૪૭.૮૨ લાખની કિંમતનો આ દારૂનો જથ્થો, ૧૦ લાખનું ટ્રેલર, બે મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ ૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે ટ્રેલર ચલાવતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી મુસ્તાક મમદરહીમ જમાલ પઠાણની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM