Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં એસીબીની સફળ ટ્રેપ : વ્હિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતો કર્મચારી ઝડપાયો

05 June



મીઠીરોહરના ટેસ્ટિંગ સ્ટેશન પર ગેરકાયદેસર વસૂલાતના નેટવર્કનો પર્દાફાશ : એસીબીએ ડીકોય ઓપરેશન હાથ ધરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી


ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ નજીક મીઠીરોહર સ્થિત અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે એક સફળ ડીકોય ટ્રેપ ગોઠવીને લાંચ લેતા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પૂર્વ કચ્છ એસીબીની ટીમે ખાનગી બાતમીના આધારે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મોટા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ અને રીપાસિંગની કામગીરી માટે અરજદારો પાસેથી નિયત ફી ઉપરાંત વધારાના નાણાં વસૂલવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં એસીબીએ વચેટિયા કે કર્મચારી તરીકે કામ કરતા આરોપી વિક્રમસિંહ મનદ્રુપસિંહ જાટની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, મીઠીરોહર ખાતે આવેલા વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન પર આવતા વાહનચાલકો અને અરજદારો પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ તેમજ રીપાસિંગ પ્રક્રિયા માટે સરકારે નક્કી કરેલી ઓનલાઇન ફી ઉપરાંત મોટી રકમની ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ખાનગી સૂત્રો પાસેથી મળેલી સચોટ બાતમીના આધારે પૂર્વ કચ્છ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે ટેસ્ટિંગ સ્ટેશન પર એક મનઘડત અરજદાર (ડીકોયર) મોકલીને છટકું ગોઠવ્યું હતું.
ડીકોય ઓપરેશન દરમિયાન આરોપી વિક્રમસિંહ જાટ દ્વારા એક મોટા વાહનના ફિટનેસ સર્ટિફિકેટ માટે કાયદેસરની ઓનલાઇન ફી સિવાય વધારાના રૂા. ૨૨૫૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ આ રકમ જેવી આરોપીને સુપરત કરી કે તરત જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને લાંચની રકમ સાથે રંગેહાથ દબોચી લીધો હતો. પ્રાથમિક તપાસમાં અને ગુપ્ત બાતમીના આધારે એવું પણ બહાર આવ્યું છે કે, આ સેન્ટર પર અલગ-અલગ વાહનોના ફિટનેસ તેમજ અન્ય કામો માટે અરજદારો પાસેથી રૂા. ૧૦૦૦ થી લઈને રૂા. ૧૦,૦૦૦ સુધીની ગેરકાયદેસર રકમ પડાવવામાં આવતી હતી. એસીબીની ટીમે ઝડપાયેલા આરોપી વિક્રમસિંહ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (એન્ટી કરપ્શન એક્ટ)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ ગેરકાયદે વસૂલાતના નેટવર્કમાં અન્ય કયા અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી છે તે દિશામાં એસીબી દ્વારા આગળની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
------- 

Comments

COMMENT / REPLY FROM