Trending News
સ્થાનિક સમાચાર

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે : આઇજી ચિરાગ કોરડીયા 

05 June


મોરબી જિલ્લાનો હવે ‘કચ્છ બોર્ડર રેન્જ’ માં સમાવેશ થતાં આઇજીએ સંભાળ્યો વધારાનો કાર્યભાર : 

ભુજ - કચ્છઉદય : મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટો વહીવટી બદલાવ કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક મહત્વપૂર્ણ જાહેરનામા અન્વયે મોરબી જિલ્લાની વહીવટી સીમાઓમાં મોટો ફેરફાર થયો છે. અત્યાર સુધી રાજકોટ રેન્જ હેઠળ આવતા મોરબી જિલ્લાનો સમાવેશ હવે ’કચ્છ બોર્ડર રેન્જ’ માં કરી દેવામાં આવ્યો છે. આ નવા વહીવટી માળખાના અમલીકરણ સાથે જ કચ્છ બોર્ડર રેન્જના આઇજી ચિરાગ કોરડીયાએ આજે વિધિવત રીતે મોરબી જિલ્લાનો વધારાનો કાર્યભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવેલા આઇજીએ જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વની અને લાંબી સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યભાર સંભાળ્યા બાદ યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા આઇજી ચિરાગ કોરડીયાએ ગૃહ વિભાગના નવા વહીવટી માળખાની વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારી જાહેરનામા અનુસાર મોરબીનો સમાવેશ હવે સત્તાવાર રીતે બોર્ડર રેન્જમાં થઈ ચૂક્યો છે, જ્યારે આ જ બદલાવ અંતર્ગત બનાસકાંઠા રેન્જમાં પાટણ અને વાવ-થરાદ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા નકશા અને જવાબદારી અંતર્ગત આજે મોરબી જિલ્લાનો ચાર્જ સંભાળીને તમામ વિભાગીય અધિકારીઓ સાથે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા ચારથી છ મહિનાના સમયગાળા દરમિયાન જિલ્લામાં બનેલા નાના-મોટા તમામ ગુનાઓની ઝીણવટભરી સમીક્ષા કરવાનો છે, જેથી આગામી સમયની રણનીતિ ઘડી શકાય.
તેમણે પત્રકારો સમક્ષ વહીવટી પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવી એ તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત સ્થાનિક નાગરિકો દ્વારા રોજબરોજના જીવનમાં સામનો કરવી પડતી ટ્રાફિકની સમસ્યાઓ તેમજ અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ તમામ જનસમસ્યાઓનું યોગ્ય આયોજન કરીને તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. આ તકે તેમણે સ્થાનિક પોલીસ તંત્રની પીઠ થાબડતા જણાવ્યું હતું કે, મોરબી પોલીસની ટીમ જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરી રહી છે અને આ ગતિને વધુ તેજ બનાવવામાં આવશે.
મોરબી જિલ્લામાં ચિંતાજનક રીતે વધી રહેલા ડ્રગ્સના દૂષણ અને ગેરકાયદેસર ખનન એટલે કે ખનિજ માફિયાઓની પ્રવૃત્તિઓ અંગે પૂછાયેલા આકરા પ્રશ્નોના જવાબમાં આઇજીએ અત્યંત મક્કમતાપૂર્વક અને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે અમારી સમગ્ર પોલીસ ટીમ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ સાથે જ સરકારી સંપત્તિની ચોરી કરતા ખનિજ માફિયાઓ સામે પણ અત્યાર સુધી જે કડક કાર્યવાહી ચાલી રહી છે, તેને આગામી દિવસોમાં વધુ વેગવંતી અને આક્રમક બનાવવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈપણ ચમરબંધીને ક્યારેય છોડવામાં નહીં આવે અને તેમની સામે કાયદાકીય પાસાંઓ હેઠળ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.
પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય વધારવાના આશયથી આઇજી ચિરાગ કોરડીયાએ મોરબી અને કચ્છની જનતાને પોલીસ પ્રશાસનને પૂરતો સહકાર આપવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે ખાસ કરીને કૉલેજના યુવાનો, વિદ્યાર્થીઓ અને સમાજના જવાબદાર અગ્રણીઓને આહવાન કર્યું છે કે, જો તેમના વિસ્તારમાં કે આસપાસ ક્યાંય પણ ડ્રગ્સનું વેચાણ, હેરાફેરી કે અન્ય કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનું ધ્યાનમાં આવે તો નાગરિક તરીકેની ફરજ સમજી તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. જનતા કોઈ પણ ડર વગર સીધો સંવાદ કરી શકે તે માટે તેમણે મોટો નિર્ણય લેતા પોતાનો અંગત મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૮૫૭૧ જાહેર કર્યો છે. તેમણે ખાતરી આપી છે કે કોઈપણ નાગરિક કોઈ પણ પ્રકારના સંકોચ વિના ગમે ત્યારે તેમનો અથવા અન્ય ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરી માહિતી આપી શકે છે, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
--------- 

Comments

COMMENT / REPLY FROM