કચ્છ જિલ્લાની બેંકો દ્વારા ધિરાણ પ્લાનની સતાવાર જાહેરાત
ભુજ - કચ્છઉદય : નવા નાણાકિય વર્ષના પ્રારંભ સાથે નવા લક્ષ્યાંકોને પાર પાડવા માટેની કવાયતને અત્યારથી વેગવાન બનાવી દેવામાં આવી છે, ત્યારે કચ્છની બેંકો દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના નવા ધિરાણ પ્લાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આરએસી, ડીઆરડીએ નિયામક, આરબીઆઈ તેમજ બેંકો તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં નવા ક્રેડિટ પ્લાનનું વિધિવત લોંચિંગ કરાયું હતું. ૨૦૨૫-૨૬ ના નાણાકિય વર્ષની તુલનાએ ૩૩.૧૦ ટકાના વધારા સાથે ૨૦૨૬ - ૨૭ના નાણાંકિય વર્ષમાં કચ્છની બેંકો ૨૪૨.૧૮ અબજનું ધિરાણ આપશે તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. દર વર્ષની જેમ આ નવા ધિરાણ લક્ષ્યાંક પ્લાનમાં ૨૫.૮૪ ટકા હિસ્સો કૃષિ ક્ષેત્રનો રખાયો છે. ઉપરાંત લઘુ, મધ્યમ ઉદ્યોગો અને માળખાકીય સુવિધાના વિકાસને અગ્રતા આપતો દોર જળવાયેલો રખાયો છે.
નિવાસી અધિક કલેક્ટર દ્વારા બેંકોને તેમના લક્ષ્યાંકોની સાથે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટેના સૂચનો આપ્યા હતાં. જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હૉલ ખાતે આયોજિત મિટિંગમાં કચ્છના નિવાસી અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણ, ડીઆરડીએના નિયામક નિકુંજ પારેખ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર મિતેશ ગામિત, નવા નિયુક્ત લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર આલોકકુમાર, નાબાર્ડના અધિકારી નિરજકુમાર સિંઘ, આરબીઆઈના એલડીઓ સુશિલ શહાણે, આરએસઈટીઆઈ ડાયરેક્ટર પ્રતિક જોષી, ગુજરાત ગ્રામીણ બેંકના રિજનલ મેનેજર રણજીતસિંઘ મીણા, નગરપાલિકા, વિવિધ સરકારી વિભાગ તથા જિલ્લાની તમામ બેંકોના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
-------

Comments