૧૧મી જૂનથી કચ્છમાં ધો.૧૦-૧૨ની પૂરક પરીક્ષાઓ યોજાશે
ભુજ - કચ્છઉદય : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧ ની જૂન-૨૦૨૬ પૂરક પરીક્ષાઓ તા.૧૧/૬ થી તા.૨૦/૬ દરમિયાન યોજાનારી છે. આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડી.પી. ચૌહાણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આ પ્રતિબંધો ૨૧ પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૧૧/૬ના સવારના ૬ થી તા.૨૦/૬ના રાત્રિના ૮ કલાક સુધી અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ -કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં તથા પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા મનાઈ ફરમાવાઈ છે.
----

Comments