૧૮ હજારથી વધુ વૃક્ષો, ૫૦ હજાર ચકલીઘર અને જીવદયાની અનોખી સેવા : હરિઓમ મિશનની કામગીરી બની પ્રેરણા
ભુજ -કચ્છઉદય : કચ્છના કોટડા ચકાર પંથકમાં છેલ્લા સાત વર્ષથી પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાની દિશામાં કાર્યરત હરિઓમ મિશનની સેવાકીય પ્રવૃત્તિઓ આજે સમગ્ર વિસ્તાર માટે પ્રેરણાસ્ત્રોત બની છે. વૃક્ષપ્રેમી શિક્ષક હરિલાલ ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ પહેલે હજારો વૃક્ષોના સંવર્ધન સાથે પશુ-પંખીઓના કલ્યાણ માટે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.્ હરિઓમ મિશન દ્વારા કોટડા, સણોસરા, આથમણા, ઉગમણા, કૈલાસનગર અને સૂરજપર સહિતના વિસ્તારોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન ૧૮ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સરકારી જમીનો, જાહેર માર્ગો, મંદિર પરિસરો, કબ્રસ્તાનો અને પડતર જમીનોને હરિયાળીથી આવરી લેવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેમની જાળવણી, પાણીની વ્યવસ્થા અને રક્ષણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
વૃક્ષ સંરક્ષણ માટે દર વર્ષે ૫૦૦થી વધુ પિંજરા તૈયાર કરવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનો રજાઓ દરમિયાન સ્વૈચ્છિક રીતે આ કામગીરીમાં જોડાતા હોવાથી નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના અને જવાબદારીનો વિકાસ થઈ રહ્યો છે. હરિઓમ મિશનનું "ચકલી બચાવો અભિયાન" પણ ખાસ સફળ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૫૦ હજારથી વધુ ચકલીઘર, બર્ડ ફીડર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત દર મહિને ૩૦૦ કિલોથી વધુ ચણ પક્ષીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
જીવદયા ક્ષેત્રે પણ મિશન સતત કાર્યરત છે. દાતાઓના સહયોગથી ૨૫થી વધુ અવાડા બનાવી આશરે ૨૫ હજારથી વધુ પશુ-પંખીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથે જ રોજ ૧૦૦થી વધુ નિરાધાર કૂતરાઓને બે વખત ભોજન આપવામાં આવે છે. હરિલાલ ભાનુશાલીએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ સતત જતન અને સંવર્ધનની પ્રક્રિયા છે. પર્યાવરણનું સંતુલન જાળવવા દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે હરિઓમ મિશનની આ કામગીરી પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાના સમન્વયનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહી છે, જે સમગ્ર કચ્છ માટે પ્રેરણાદાયી બની છે.
------

Comments