Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ખોડીયારનગર ટ્રાન્સપોર્ટ નગરમાં ભીષણ  આગ :૨૦૦થી વધુ ટાયર અને ૫ ટ્રકો બળીને ખાખ

05 June


મનપા ના ડે.કમિશનર, મામલતદાર અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો : આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી

ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના ખોડીયારનગર સ્થિત ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં આજે ભીષણ આગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઝપેટમાં અંદાજે ૨થી ૩ ગેસ સિલિન્ડર, ૨૦૦થી વધુ ટાયર તેમજ ૫ ટ્રકો આવી જતા મોટાપાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે ટ્રકોના ટાયરોમાં એક પછી એક બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીના માર્ગદર્શન હેઠળ મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ, ટિમ્બર એસોસિએશનની ફાયર ટીમ તેમજ કંડલા પોર્ટ, વેલસ્પન અને અન્ય સ્થળોની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહાનગર પાલિકાના કમિશનર, નાયબ કમિશનર સંજય રામાનુજ, મામલતદાર જાવેદ સિંધી, કારોબારી ચેરમેન તેજસભાઈ સેઠ, સ્થાનિક નગરસેવકો અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ અને તંત્ર દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM