Trending News
ક્રાઈમ

માંડવીમાં ભૂકંપ નગરીમાં બંદુક, ધારીયા સહિતના હથિયારો સાથે બે ઈસમો ઝડપાયા

05 June

એસએમસીએ કાર્યવાહી કર્યા બાદ એલસીબીએ આળસ મરડી...





દેશી તમંચો, એરગન, ત્રણ છરી, બે ધારીયા, કરવત, કુહાડી, બે ધોકા, નવ લોખંડના પાઈપ કબજે કરાયા : કોઈ ગુનાહિત બનાવને અંજામ અપાય તે પહેલા કાર્યવાહી : સ્થાનીક પોલીસ કેમ રહી અજાણ ? 



માંડવી - કચ્છઉદય : મુંદરામાં એસએમસીએ આવીને બે પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ અગાઉ વરનોરા સહિતની ઘટનાએ ઉચ્ચાટ જગાવેલો છે. સરેઆમ મારામારી, હુમલા સહિતની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી પશ્ચિમ કચ્છમાં રોજીંદી બની ગઈ છે. કાયદો માત્ર કાગળ પર હોય તેવી અનુભૂતિ લોકો કરી રહ્યા છે. આ વચ્ચે એલસીબીએ એસએમસીની કાર્યવાહી બાદ આળસ મરડીને માંડવીના ભૂકંપ નગરીમાં ગેબનશા પીરની દરગાહ પાસેથી બે શખ્સોને હથિયાર સાથે ઝડપી લીધા હતા. તેઓ પાસેથી દેશી તમંચો, એરગન, ત્રણ છરી, બે ધારીયા, કરવત, કુહાડી, બે ધોકા, નવ લોખંડના પાઈપ કબજે કરાયા છે. આટલા બધા હથિયારો લઈને રાતના સમયે બન્ને ઈસમો પકડાઈ ગયા તે સુચક બાબત છે. કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે અન્ય કોઈ બાબત હતી ? તપાસ થવી જરૂરી છે.
આ બાબતે માંડવી પોલીસમાંથી મળતી માહિતી મુજબ એલસીબીએ ભૂકંપ નગરીમાં રાત્રે આ કાર્યવાહી કરી હતી. આરોપી અહેઝાઝ અહેમદ રઝાકમીંયા બુખારી અને મુશરફ રઝાકમીંયા બુખારીને ઝડપી તેઓ પાસેથી દેશી તમંચો, એક જીવતો કારતુસ, એરગન પીસ્ટલ, ત્રણ અલગ અલગ સાઈઝની છરી, મોટું ધારીયું, નાનું ધારીયું, કરવત, કુહાડી, લોખંડની કુંડલીવાળા ધોકા, તેમજ લોખંડના અલગ અલગ નવ પાઈપ કબજે કરવામાં આવ્યા હતા. રેડ દરમ્યાન રઝાકમીંયા અબ્દુલ અઝીઝમીંયા બુખારી હાજર મળી આવ્યો ન હતો. એલસીબીએ માંડવી પોલીસમાં કલેકટરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવ્યો  છે. આટલા બધા હથિયારોનું શું કરવાનું હતું તે સહિતની દિશામાં તપાસ થવી જરૂરી છે. આ ઘટનામાં સ્થાનીક માંડવી પોલીસ પણ અજાણ રહી ગઈ છે. ખરેખર એલસીબીને માંડવી સુધી આવવું પડતું હોય તો માંડવી પોલીસનો સ્ટાફ શું કરે છે ? તે સવાલ પણ ઉઠી રહ્યો છે.


..................



 

Comments

COMMENT / REPLY FROM