Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયામાં મોટો સુધાર કરાયો

04 June


વયમર્યાદામાં છૂટછાટ અને નવી મેરિટ પદ્ધતિનો અમલ : ટીઈટી પાસ ઉમેદવારોને મળશે પ્રથમ અગ્રતા : જિલ્લાવાર મેરિટના આધારે થશે પસંદગી

ભુજ - કચ્છઉદય : રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય મુજબ હવે ભરતી માટેની વયમર્યાદા વધારીને ૪૮ વર્ષ કરવામાં આવી છે, જેનાથી રાજ્યના મોટી સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં સામેલ થવાની તક મળશે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી છે. આ માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા નગર શિક્ષણ સમિતિઓ દ્વારા ચોક્કસ સમયમર્યાદામાં ઓનલાઇન મોકલવાની રહેશે.
આ નવી ભરતી પ્રક્રિયામાં ટી.ઈ.ટી. (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) પાસ કરેલા ઉમેદવારોને ખાસ અગ્રતા આપવામાં આવશે. ધોરણ ૧ થી ૮ સુધીના શિક્ષકોની ભરતી માટે હવે તદ્દન નવી અને પારદર્શક મેરિટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. આ પદ્ધતિ હેઠળ ઉમેદવારોની પસંદગી જિલ્લાવાર મેરિટ લિસ્ટના આધારે જ કરવામાં આવશે, જેથી દરેક જિલ્લામાં ખાલી રહેલી જગ્યાઓ મુજબ યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક ઝડપથી થઈ શકે.
સરકારના આ ક્રાંતિકારી પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે શિક્ષકોની અછતને દૂર કરવાનો છે. આ નવી માર્ગદર્શિકાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણનું માળખું વધુ સુદ્રઢ બનશે અને યોગ્ય લાયકાત ધરાવતા ટી.ઈ.ટી. પાસ ઉમેદવારોને રોજગારીની ઉત્તમ તકો સમયસર મળી રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત સમયમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે આ માહિતી એકત્રિત કરીને ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી શાળાઓમાં શિક્ષણ કાર્ય સુચારૂ રીતે ચાલી શકે.
----------- 

Comments

COMMENT / REPLY FROM