ભચાઉમાં થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો
બે મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો
ભચાઉ - કચ્છઉદય : પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એલસીબી ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, વણોઈવાંઢ ગામના રમેશ ભીખાભાઈ કોલીએ તેના રહેણાંક મકાન બહાર ચોરીના બે મોટરસાયકલ રાખ્યા છે અને તે વેચવાની પેરવીમાં છે.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી પાસેથી બે મોટરસાયકલ મળી આવ્યા હતા, જે અંગે તે કોઈ આધારભૂત પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેમાંથી એક મોટરસાયકલ તેણે અંદાજે એક મહિના પહેલા હમીર મોતીભાઈ કોલી સાથે મળીને નવી ભચાઉ વિસ્તારમાંથી ચોરી કર્યું હતું, જ્યારે બીજું મોટરસાયકલ પણ હમીર મોતી કોલીએ જ આપ્યું હતું. પોલીસે કુલ ૭૫,૦૦૦ રૂપિયાની કિંમતના બે મોટરસાયકલ કબજે કરી આરોપી રમેશ ભીખાભાઈ કોલીની અટકાયત કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી હમીર મોતી કોલીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી એલસીબી પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી. પટેલ અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
-----------

Comments