નખત્રાણા તા.પં. પ્રમુખ ભારતીબેન ગોસ્વામીએ પદભાર સંભાળ્યો
તાલુકાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહેવાની બાંહેધરી આપી : સમાજો દ્વારા સન્માન કરાયું
નખત્રાણા - કચ્છઉદય : રોહા (કોટડા) બક્ષીપંચ મહિલા અનામત બેઠક પરથી ૧૯ર વોટથી જીતેલા ભાજપના તાલુકા પંચાયત નખત્રાણાના પ્રમુખ તરીકે વિધિવત પદભાર ગ્રહણ કર્યો હતો.
દશનામ ગોસ્વામી સમાજના કચ્છના પ્રથમ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા ભારતીબેન ગોસ્વામી એસએસસી સુધીનો અભ્યાસ નવસારી ખાતે કરેલ છે. તેમના પતિ નીતિનગિરિ ગોસ્વામી રોહા ગ્રામ પંચાયતના સરપંચ પદે છે. પંચાયતની કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા ભારતીબેન ગોસ્વામીએ કહ્યું કે, તાલુકાના દરેક ગામના વિકાસની ખુટતી કડીઓ તાકીદે સંધાશે. ગામડાને સમૃદ્ધ બનાવવા રાજ્ય - કેન્દ્ર સરકારની વિવિધ યોજના પ્રધાનમંત્રી આવાસ, રસ્તા, સીસી રોડ, ઈન્ટરલોક, પીવાના પાણીના બોર, શિક્ષણ, આરોગ્ય, જીરામજી યોજના સહિતના અનેકવિધ વિકાસકામો સાથે ગામડાને શહેરી જેવી સુવિધા મળી રહે તે માટે તેઓ સક્રિય પ્રયાસ કરશે. તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ઘટ, તલાટી - મંત્રી અને આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યા તાકીદે પુરવા તેઓ પ્રયાસ કરશે. તેમનું વિવિધ સમાજોના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહેશ્વરી સમાજના અગ્રણી ભાજપના પીઢ નેતા સામતભાઈ મહેશ્વરીએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી.
-----

Comments