નવા વ્યાપારી કરારોથી રેલવેની આવકમાં થશે વધારો અને મુસાફરોને મળશે નવી સુવિધાઓ
ટ્રેનમાં હવે સીટ પર જ મળશે જરૂરી ચીજવસ્તુઓ : માલિયા ગુડ્સ શેડમાં સ્વચ્છતા અને વંદે ભારત ટ્રેનોમાં હવે જોવા મળશે નવીન બ્રાન્ડિંગ
અમદાવાદ : અમદાવાદ રેલવે મંડળે આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવતા રેલવેની આવકના નવા સ્ત્રોત ઉભા કરવા અને મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે ત્રણ નવા વ્યાપારી કરારો પૂર્ણ કર્યા છે. તાજેતરમાં ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવેલા આ કરારો આગામી ત્રણ વર્ષ માટે લાગુ રહેશે, જેનાથી રેલવે તિજોરીમાં રૂ ૪.૪૭ કરોડની સીધી આવક થશે. રેલવેના આ નિર્ણયથી મૂડીરોકાણ કર્યા વગર જ બિન-ભાડા આવકમાં વધારો થશે અને સાથે જ મુસાફરોને વધુ સારી સેવાઓ પ્રાપ્ત થશે.
આ પ્રોજેક્ટ હેઠળ સૌ પ્રથમ, નોન-પ્રીમિયમ ટ્રેનોમાં હવે ટ્રેન સાઈડ વેન્ડિંગની સુવિધા શરૂ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ મુસાફરોને સુરક્ષિત અને સરળ ખરીદીનો અનુભવ પૂરો પાડવાનો છે. આ વ્યવસ્થા દ્વારા મુસાફરો હવે મુસાફરી દરમિયાન પોતાની સીટ પર જ ટૂથપેસ્ટ, બ્રશ, સેનિટરી પેડ્સ, ડાયપર, ન્યૂઝ પેપર, ચાર્જર અને ઈયરફોન જેવી રોજિંદી જરૂરી વસ્તુઓ મેળવી શકશે. મુસાફરોને યોગ્ય ભાવ મળે તે માટે તમામ વસ્તુઓ એમઆરપી પર જ વેચવી અનિવાર્ય રહેશે અને દરેક ખરીદી પર બિલ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ટ્રેનમાં અનધિકૃત ફેરિયાઓ પર અંકુશ લાવવા માટે દરેક ટ્રેનમાં માત્ર ચાર વેન્ડરને જ પરવાનગી આપવામાં આવશે, જેઓ કાયદેસરના ઓળખપત્ર અને ગણવેશમાં હશે. આ ઉપરાંત મુસાફરોને ઓનલાઈન ઓર્ડર અને ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે.
બીજા મહત્વના નિર્ણયમાં માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ માટેના કરારને મંજૂરી આપવામાં આવી છે. આ મોડેલથી રેલવેના સફાઈ પાછળના ખર્ચમાં સીધો ઘટાડો થશે. કોન્ટ્રાક્ટર દ્વારા વેગન અને આખા પરિસરની સફાઈ કરવામાં આવશે, જેનાથી રેલવેના ટ્રેક અને વેગનનું આયુષ્ય વધશે અને કામદારોને પણ સ્વચ્છ વાતાવરણ મળશે. સફાઈ દરમિયાન નીકળતા કચરા કે અવશેષોના નિકાલની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની રહેશે, જે આ મોડેલને આર્થિક રીતે ટકાવી રાખવામાં મદદરૂપ થશે.
ત્રીજા પગલામાં દેશની શાન એવી વંદે ભારત ટ્રેનના હેડ રેસ્ટ કવર પર વિજ્ઞાપનોને સ્થાન આપવામાં આવશે. આ નિર્ણયથી ટ્રેનના આંતરિક ભાગમાં એક આધુનિક અને વ્યવસ્થિત લુક આવશે. આ પ્રોજેક્ટથી વિજ્ઞાપનદાતાઓને મુસાફરોના એક મોટા વર્ગ સુધી પોતાની પહોંચ બનાવવાની તક મળશે, જ્યારે રેલવેને કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર આવક પ્રાપ્ત થશે. અમદાવાદ રેલવે મંડળના આ ત્રિવિધ પ્રયાસો દ્વારા રેલવેની કાર્યક્ષમતા અને આવકના સ્ત્રોતોમાં મોટો સુધારો જોવા મળશે.
-------

Comments