Trending News
ક્રાઈમ

સાડા પાંચ વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના પ્રયાસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

04 June


સાડા પાંચ વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના પ્રયાસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ


ભુજની વિશેષ પોક્સો અદાલતનો કડક ચુકાદો; પીડિત બાળકને રૂ. ૪ લાખ વળતર ચૂકવવાની ભલામણ : જાતીય સતામણી, અશ્લીલ હરકતો અને દુષ્કૃત્યના પ્રયાસનો ગુનો સાબિત થતાં આરોપી દોષિત ઠેરવાયો



ભુજ - કચ્છઉદય : કચ્છમાં સાડા પાંચ વર્ષના નિર્દોષ બાળક સાથે જાતીય સતામણી અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કરનાર આરોપી સામે ભુજની વિશેષ પોક્સો અદાલતે કડક વલણ અપનાવી ઐતિહાસિક ગણાય તેવો ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી બળદેવપુરી ઉર્ફે બળુ દયાલપુરી ગુંસાઈ (રહે. મોટી તુંબડી, તા. મુન્દ્રા)ને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને કુલ રૂ. ૨૮ હજારના દંડની સજા ફટકારી છે. સાથે જ પીડિત બાળકના પુનઃસ્થાપન માટે રૂ. ૪ લાખના વળતરની ભલામણ પણ કરવામાં આવી છે.
કેસની વિગતો મુજબ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપીએ પાંચ રૂપિયાની લાલચ આપી માત્ર સાડા પાંચ વર્ષના બાળકને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેણે બાળક સાથે અશ્લીલ હરકતો કરી જાતીય સતામણી આચરી હતી. આરોપીએ બાળકને અયોગ્ય રીતે સ્પર્શ કરાવ્યો હતો તેમજ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાથી બાળક ભયભીત થઈ ગયો હતો અને બાદમાં સમગ્ર હકીકત પરિવારજનો સમક્ષ બહાર આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પ્રાગપર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસ દ્વારા વૈજ્ઞાનિક, દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ પ્રાગપર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. સીમ્પીએ આરોપી વિરુદ્ધ સશક્ત ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હતી.આ કેસની સુનાવણી ભુજ સ્થિત વિશેષ પોક્સો અદાલતના ન્યાયાધીશ જે.એ. ઠક્કર સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા ૧૫ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૨ સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. સાક્ષીઓના નિવેદનો, તબીબી અને અન્ય પુરાવાઓના આધારે અદાલત સમક્ષ આરોપીનો ગુનો શંકાથી પર સાબિત થયો હતો. પુરાવાઓના આધારે અદાલતે વધુ ગંભીર કલમોનો પણ સમાવેશ કરી આરોપી સામેનો કેસ મજબૂત ગણાવ્યો હતો.અદાલતે પોતાના ચુકાદામાં પોક્સો કાયદાની કલમ ૫(એલ) અને ૬ હેઠળ આરોપીને ૨૦ વર્ષની સખત કેદ તથા રૂ. ૨૫ હજારના દંડની સજા ફટકારી હતી. ઉપરાંત પોક્સો કાયદાની કલમ ૭ અને ૮ હેઠળ એક વર્ષની સખત કેદ તથા રૂ. ૨ હજારનો દંડ અને કલમ ૧૧(૬) તથા ૧૨ હેઠળ છ માસની સખત કેદ તથા રૂ. ૧ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની રકમ નહીં ભરાય તો વધારાની કેદ ભોગવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.ચુકાદામાં અદાલતે પીડિત બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને બાળકને રૂ. ૪ લાખનું વળતર ચૂકવવા માટે ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત આરોપી પાસેથી વસૂલ થનાર દંડની રકમ પણ પીડિત બાળકને ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.અદાલતે બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમને પણ બાળકના શિક્ષણ, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક પુનઃસ્થાપન અંગે વિશેષ કાળજી રાખવા સૂચના આપી છે. સંબંધિત વિભાગોને બાળક તથા તેના પરિવાર સાથે સતત સંપર્કમાં રહી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવા આદેશ કરવામાં આવ્યો છે.આ કેસમાં સરકાર પક્ષ તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ અસરકારક દલીલો રજૂ કરી હતી, જ્યારે પીડિત બાળકના કાનૂની સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ટી. ગઢવી હાજર રહ્યા હતા. 
---------

Comments

COMMENT / REPLY FROM