Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મેઈન બજારમાં મનપાનો નાળો બે દિવસમાં જ ફાટ્યો!  મનપાના એન્જિનિયરો એસીની હવામાંથી બહાર નીકળશે ?

04 June



ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના મેઈન બજાર વિસ્તારમાં મહાદેવ ફ્લોર મિલ નજીક મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વરસાદી નાળાના કામને લઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાના નિર્માણમાં લોટ, પાણી અને લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે કામની ગુણવત્તા અને ટકાઉપણાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ માત્ર બે દિવસ અગાઉ બનાવવામાં આવેલા નાળાના કેટલાક ભાગોમાં તિરાડો પડી ગઈ છે. હજુ કામ પૂર્ણ પણ થયું નથી ત્યાં જ તિરાડો દેખાતા નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી રહેલી આ મહત્વની સુવિધા લાંબા સમય સુધી ટકી શકશે કે નહીં તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.



..................

રાત્રે થોડા કલાકો જ કામ, દેખરેખના અભાવના આક્ષેપ


સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર કામ મુખ્યત્વે રાત્રિના સમયે માત્ર ૨થી ૪ કલાક માટે કરવામાં આવે છે. જેના કારણે કામગીરીની ગતિ ધીમી હોવા ઉપરાંત ગુણવત્તા પર પણ અસર પડી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. નાગરિકોનું કહેવું છે કે કામ દરમિયાન કોઈ યોગ્ય ટેક્નિકલ દેખરેખ જોવા મળતી નથી અને જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર રહેતા નથી.


....................

ઈજનેરોની કામગીરી પર પણ ઉઠ્યા પ્રશ્નો

આ સમગ્ર મામલે મનપાના ઈજનેરી વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કામનું યોગ્ય સુપરવિઝન થતું નથી અને ગુણવત્તા ચકાસણી વગર જ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. નાગરિકો અને વેપારીઓએ મનપાના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મુલાકાત લઈને કામની ગુણવત્તાની તપાસ કરવા તેમજ જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

Comments

COMMENT / REPLY FROM