Trending News
સ્થાનિક સમાચાર

આખરે બોર્ડર રેન્જનું વિભાજન, કચ્છની સાથે મોરબી જિલ્લો જોડાયો

04 June



બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાની નવી બનાસકાંઠા રેન્જની રચનાનો સત્તાવાર હુકમ જાહેર

રાજકોટ રેન્જમાંથી મોરબીને અલગ કરી કચ્છમાં જોડી દેવાયું 



ભુજ - કચ્છઉદય : કચ્છ અને તેની આસપાસના સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સઘન બનાવવા તેમજ વહીવટી સરળતા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષોથી અમલમાં રહેલી બોર્ડર રેન્જનું વિભાજન કરીને હવે નવી બનાસકાંઠા રેન્જની સ્થાપના કરવામાં આવી છે, જે કચ્છ અને ઉત્તર ગુજરાતના સુરક્ષા માળખામાં નવા યુગની શરૂઆત કરશે.સરકારી ઠરાવમાં જણાવ્યા મુજબ, અત્યાર સુધી બોર્ડર રેન્જનું ભૌગોલિક ક્ષેત્રફળ અંદાજે ૫૫૦ કિ.મી. જેટલું વિશાળ હતું. આટલા મોટા વિસ્તારમાં સરહદી સુરક્ષાની દેખરેખ રાખવી પોલીસ અધિકારીઓ માટે પડકારજનક હતી. આ ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી અસ્તિત્વમાં આવેલ નવો વાવ-થરાદ જિલ્લો અને કચ્છની ભૌગોલિક વિશાળતા ૩૧૦ કિ.મી.થી વધુને ધ્યાનમાં લેતા વહીવટી બોજ ઘટાડવો અનિવાર્ય બન્યો હતો. મોરબી જિલ્લો કચ્છની ભૌગોલિક સીમાને સ્પર્શતો હોવાથી તેને પણ બોર્ડર રેન્જ સાથે જોડવો સુરક્ષાના દ્રષ્ટિકોણથી જરૂરી માનવામાં આવ્યો છે. જેથી રેન્જનું વિભાજન કરવામાં આવશે. બોર્ડર રેન્જ ભુજમાં હવે પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. આ ફેરફારથી ભુજ અને ગાંધીધામ જેવા મહત્વના કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનશે.જ્યારે નવી બનાસકાંઠા રેન્જમાં પાલનપુરને મુખ્ય મથક બનાવીને બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે, જેનાથી ઉત્તર ગુજરાતની સરહદ પર દેખરેખ વધુ ચુસ્ત બનશે. રાજકોટ રેન્જમાંથી મોરબીને કચ્છ સાથે જોડી દેવામાં આવ્યું છે જેથી રાજકોટ રેન્જમાં હવે રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થશે.



.................................


૧૯૯૫-૯૬માં બોર્ડર રેન્જની થઈ હતી રચના

૧૯૯૫-૯૬માં રાજકોટ રેન્જનું વિભાજન કરીને સૌપ્રથમ વખત બોર્ડર રેન્જની રચના થઈ હતી, ત્યારે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા સરહદી જિલ્લાઓ એક સાથે હતા. આજે ભારત-પાકિસ્તાન વચ્ચેની ૪૦૬.૮૭ કિ.મી. લાંબી આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને ૨૩૮ કિ.મી.ના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારનો આ નિર્ણય કાયદો-વ્યવસ્થાના નિયંત્રણ અને નિરીક્ષણ માટે સીમાચિહ્નરૂપ ગણવામાં આવી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM