Trending News
ક્રાઈમ

વાગડની જનતા તરસી : હાઇવેની હોટલો માં નીરની બેફામ ચોરી

04 June

ભ્રષ્ટાચારની પાઇપલાઇન : સુરજબારીથી આડેસર સુધી પાણીચોરીનું મસમોટું નેટવર્ક સક્રિય ?




સરકારી બાબુઓના ખિસ્સા ગરમ રાખતી અમુક હાઇવે હોટલો સામે તંત્ર કેમ મીંચી રહ્યું છે આંખો? : કાળજાળ ગરમીમાં ગ્રામીણ પ્રજા પાણી માટે વલખાં મારે છે ત્યારે પાણીચોરો બેફિકર


પાઇપલાઇનોમાં ખુલ્લેઆમ પંચર : રાજકીય ઓથ અને અધિકારીઓની ‘હપ્તારૂપી પ્રસાદી’થી કાયદાના લીરેલીરા ઉડ્યા


પ્રજા પાણી માટે વલખાં મારે અને અમુક હોટલોમાં જલસા : તંત્ર ક્યારે જાગશે અને કડક પગટ્ઠજલાં લેશે?





જીડબલ્યુઆઈએલ અને તેના જનરલ મેનેજર સહીતનાઓ કેમ અંધારામાં? : નગરપાલીકાઓને જીડબલ્યુઆઈએલ ડીમાન્ડની સામે કેટલુ પાણી આપે છે? તપાસ કરાશે તો હાઈવે હોટલો તથા અમુક મોટી કંપનીઓ સુધી રેલો લંબાશે? જીડબલ્યુઆઈએલ પ્રજાજનોના હિતનું નગરપાલિકાને આપવાનુ પાણી બારોબાર અમુક કંપનીઓ-આવી હાઈવે હેાટલોને વેપલો કરી દેતા હોવાની છે ચર્ચા : 


ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લી. કંપનીની તો ઉદોગો અને અમુક હાઈવે હોટલો સાથેના મેળાપીપણાં થકી તો આવી ચોરીઓ 
બિનધાસ્ત નથી ચાલતી ને?



ભચાઉ - કચ્છઉદય : કચ્છના વાગડ વિસ્તારમાં અત્યારે કુદરત અને વહીવટી તંત્ર બંને જાણે સ્થાનિક પ્રજાની પરીક્ષા લઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ સૂર્યનારાયણ આકરા મિજાજમાં છે અને ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે, જેના કારણે વાગડના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે. ગામડાના લોકોઓ અને મહિલાઓ પીવાના પાણીના એક-એક બેડા માટે ભટકવા મજબૂર બન્યા છે. પ્રજાના ગળા સુકાઈ રહ્યા છે અને પશુધન પાણી વિના ટળવળી રહ્યું છે. પરંતુ આ જ વાગડના હાઇવે પર દ્રશ્ય સાવ જુદું અને આઘાતજનક છે. ભચાઉ અને રાપર તાલુકામાંથી પસાર થતા હાઇવે પર આવેલી અમુક હોટલોમાં પાણીનો બેફામ બગાડ અને રેલમછેલ જોવા મળી રહી છે. આ પાણી ક્યાંથી આવે છે તેનો જવાબ શોધવા નીકળીએ ત્યારે તંત્ર અને પાણીચોરોની મિલીભગતનું એક મસમોટું નેટવર્ક સામે આવે છે, જે સમગ્ર સરકારી વ્યવસ્થાની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યું છે.ભચાઉ અને રાપર તાલુકાના હાઇવે અત્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓનું એપી સેન્ટર બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, સુરજબારીથી વરસાણા અને ભચાઉ-સામખિયાળીથી છેક આડેસર સુધી જતા મુખ્ય માર્ગો પર આવેલી અમુક હાઇવે હોટલોમાં પાણીની ચોરી ખુલ્લેઆમ થઈ રહી છે. આ વિસ્તારોમાંથી પસાર થતી પાણી પુરવઠાની મુખ્ય લાઈનો તેમજ નર્મદાની પાઇપલાઇનોમાં ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવી લેવામાં આવ્યા છે અથવા તો પાઇપલાઇનોમાં પંચર પાડીને લાખો લીટર પાણી રોજ સેરવી લેવાય છે. ખાસ કરીને ગાગોદર, પલાસવા, ચિત્રોડ અને લાકડીયા જેવા વિસ્તારોમાં તો આ દૂષણ એટલી હદે વ્યાપક બની ગયું છે કે જાણે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ અસ્તિત્વ જ ન હોય. હાઇવે પરની આ હોટલોમાં ગ્રાહકોના વાહનો ધોવા માટે, બગીચાઓ નવડાવવા માટે અને શૌચાલયોમાં વાપરવા માટે જે નીર વહી રહ્યા છે, તે વાસ્તવમાં વાગડના તરસ્યા ગામડાઓ માટે મોકલવામાં આવ્યા હતા. જનતાના હકનું પાણી આ હોટલ સંચાલકો પોતાની કમાણી માટે બરબાદ કરી રહ્યા છે.આટલા મોટા પાયે થઈ રહેલી આ ચોરી કોઈ સામાન્ય બાબત નથી, કારણ કે આ હાઇવે વિસ્તારમાં આવેલી અસંખ્ય હોટલો પૈકીની કેટલીક હોટલો સામાન્ય લોકોની છે, જ્યારે મોટાભાગની હોટલો રાજકીય વગ ધરાવતા મોટા માથાઓની છે. કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ અને વગદાર શખ્સો આ હોટલો પાછળ સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. જ્યારે સત્તા અને સંપત્તિનો સમન્વય થાય ત્યારે કાયદો પણ ઘૂંટણીયે પડી જતો હોય છે, તેવું અહીં સ્પષ્ટ દેખાય છે. પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક પ્રશાસનના જવાબદાર અધિકારીઓને આ હોટલ સંચાલકો તરફથી નિયમિતપણે લાખો રૂપિયાની ’હપ્તારૂપી પ્રસાદી’ મળી જતી હોવાની  કારણે કોઈ આ હોટલો તરફ ફરકવાની પણ હિંમત કરતું નથી. સરકારી બાબુઓ ઓફિસોમાં એસી ચાલુ કરીને બેઠા છે અને તેમના ખિસ્સા ગરમ થઈ રહ્યા હોવાથી તેમને પ્રજાની તરસ દેખાતી નથી. હોટલ સંચાલકો એટલા બેફામ બન્યા છે કે તેમને હવે ખાખી વર્દી કે ખાતાકીય કાર્યવાહીનો કોઈ ભય રહ્યો જ નથી.આજની સ્થિતિ એવી કરુણ છે કે એક તરફ વાગડના અંતરિયાળ ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી મેળવવું એ એક ભગીરથ કાર્ય બની ગયું છે. ગરીબ પરિવારો મજૂરી છોડીને પાણીની લાઈનોમાં ઊભા રહે છે, છતાં તેમને પૂરતું પાણી મળતું નથી. બીજી તરફ, હાઇવે પર લક્ઝુરિયસ હોટલોમાં આ જ પાણીનો વેપાર થઈ રહ્યો છે. સરકારી સંપત્તિની આ લૂંટ ક્યાં સુધી ચાલશે? શું ઉચ્ચ વહીવટી તંત્ર અને ગાંધીનગર બેઠેલા આકાઓ આ ગંભીર બાબતની નોંધ લેશે ખરા? વાગડની જનતા હવે આ અન્યાય સામે આક્રોશમાં છે. જો અંજારથી આવતા એ કલેક્ટર બાબુ અને હાઇવેના પાણીચોરો સામે તાત્કાલિક કડક કાનૂની રાહે પગલાં ભરીને કનેક્શનો કાપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ પાણીની કટોકટી ઉગ્ર જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું પાણી પુરવઠા તંત્ર અને જિલ્લા વહીવટી પ્રશાસન ક્યારે જાગે છે અને આ ભ્રષ્ટાચારની પાઇપલાઇન પર ક્યારે બુલડોઝર ફેરવે છે.


.....................

પૂર્વ કચ્છના અંજારથી આવતી ખાસ ’કલેક્શન લોબી’ઃ દર મહિને થતી મસમોટી ઉઘરાણી



ભચાઉ - કચ્છઉદય : આ સમગ્ર કૌભાંડમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ પાણીચોરીને છાવરવા માટે આખેઆખું વ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ કચ્છના અંજારથી બની બેઠેલ ઉચ્ચ અધિકારી દર મહિને ખાસ વાગડના હાઇવે વિસ્તારની મુલાકાતે આવે છે. આ બની બેઠેલ સાહેબની મુલાકાત કોઈ તપાસ માટે નહીં, પરંતુ માત્ર અને માત્ર અમુક હાઇવેની હોટલોમાંથી નિયત થયેલી હપ્તાની રકમ ઉઘરાવવા માટે જ હોય છે. દર મહિને લાખો રૂપિયાનું કલેક્શન આ એક જ કેન્દ્ર પરથી થાય છે અને ત્યારબાદ તે રકમ ઉપર સુધી વહેંચાતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જ્યારે રક્ષક જ ભક્ષક બનીને ભ્રષ્ટાચારની ગંગામાં ડૂબકીઓ લગાવતો હોય, ત્યારે સામાન્ય જનતાએ ન્યાયની આશા કોની પાસે રાખવી એ એક મોટો સવાલ છે. અંજારથી આવતી આ કલેક્શન લોબીના કારણે જ વાગડની સરકારી પાઇપલાઇનો ખોખલી થઈ રહી છે અને હોટલોના વહીવટદારો બેફામ બનીને કાયદાને ખિસ્સામાં લઈને ફરી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM