Trending News
સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પર કોંગ્રેસની વરસી ગાજ 

02 June


લોભ,  લાલચ કે દબાણ હેઠળ ફોર્મ પાછું ખેંચનાર ૧૯ ઉમેદવારો થયા પાર્ટીમાંથી સસ્પેન્ડ 

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૬ની તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પક્ષ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા ભરોસો મૂકીને જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી, તેમાંથી કેટલાક ઉમેદવારોએ લોભ, લાલચ અથવા કોઈના દબાણ હેઠળ આવીને પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા. આ પ્રકારના કૃત્યથી પક્ષને મોટું નુકસાન થયું છે અને સ્થાનિક વિસ્તારના મતદારો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હોવાનું પક્ષનું માનવું છે. પરિણામે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા તમામ ૧૯ ઉમેદવારોને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ કડક શિસ્તભંગની કાર્યવાહી હેઠળ સસ્પેન્ડ કરવામાં આવેલા ઉમેદવારોમાં ભચાઉ (જિલ્લા પંચાયત) બેઠક પરથી બંધડી ગામના પચાણભાઈ સવાભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માંડવી તાલુકાના બિદડા-૨ ગામના હવાબાઈ ઓસમાણગની ખલીફા, માંડવીના બાયઠ બેઠકના લાલજી મંગલ માતંગ, અંજાર તાલુકાના વીરા બેઠકના હર્ષદભાઈ કરશનભાઈ જરૂ, ભચાઉ તાલુકાના ભુજપર ગામના ધર્મેન્દ્રસિંહ એચ. જાડેજા, ભચાઉના મોરગરના કાનાભાઈ ભુરાભાઈ બત્તા, ભચાઉના લુણવાના લખીબેન શામજીભાઈ વરચંદ, ભુજ તાલુકાના સુખપર-૨ ના પુષ્પા નારણ ભુડિયા, ભુજ તાલુકાના માનકુવા-૨ ના દામજીભાઈ કેશાભાઈ સુંઢા અને ભુજ તાલુકાના રતાડીયાના જુણસ સાધિક સમાને પણ પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.
નગરપાલિકા સ્તરે અંજાર નગરપાલિકાના વિવિધ વોર્ડના ઉમેદવારો સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અંજાર વોર્ડ નંબર ૧ માંથી તેજલબેન ચૌહાણ અને ભાવનાબેન ગઢવી, વોર્ડ નંબર ૩ માંથી સંગીતાબેન મોરન મહેશ્વરી અને કલ્પનાબેન પંડિયા, વોર્ડ નંબર ૯ માંથી સુનીલભાઈ સોરઠીયા અને વિપુલભાઇ કનટીપા, વોર્ડ નંબર ૨ માંથી પ્રવિણાબેન પ્રવિણભાઈ ટાંક અને લીલાધરભાઈ ટાંક તેમજ વોર્ડ નંબર ૬ માંથી હર્ષાબેન પ્રજાપતિને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 
-------------- 

Comments

COMMENT / REPLY FROM