સોલાર પ્રોજેક્ટ લીઝ મુદ્દે સર્વગ્રાહી પરિપત્ર જરૂરી : પંકજ મહેતા
સોલાર પ્રોજેક્ટ માટે લીઝ પર અપાતી ખેતીની જમીન બાબતે જટિલ મહેસુલી પ્રશ્નો અંગે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાની રજૂઆત : ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને કાનુની વિવાદો નિવારવા મહેસુલ વિભાગ દ્વારા વહેલી તકે નિર્ણય લેવા માંગ
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ એનર્જી અને ખાસ કરીને સોલાર ઉર્જા ક્ષેત્રે વ્યાપક રોકાણો થઈ રહ્યા છે. આ રોકાણો વચ્ચે ખેડૂતો અને જમીન માલિકોના કાનુની હિતોના રક્ષણ માટે રાપર-કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતા દ્વારા ગુજરાત સરકારના અગ્ર સચિવશ્રી, મહેસુલ વિભાગને એક લેખિત રજુઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિવિધ જિલ્લાઓમાં હજારો એકર ખેતીની જમીનો ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સને ૨૯ થી ૩૦ વર્ષના લાંબા ગાળાના ભાડા પટ્ટે આપવામાં આવી રહી છે. આ જમીનો પર કંપનીઓ દ્વારા હંગામી બિનખેતીની મંજૂરી મેળવીને સોલાર પ્રોજેક્ટ નાખવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયાના કારણે ભવિષ્યમાં ખેડૂતો, મહેસુલી અધિકારીઓ, બેંકો અને રોકાણકારો વચ્ચે મોટા કાનુની વિવાદો ઊભા થવાની સંભાવના રહેલી છે.
આ બાબતે સમગ્ર રાજ્યભરમાં વહીવટી એકરૂપતા જળવાઈ રહે તે માટે તેમણે વિવિધ મહત્વના મુદ્દાઓ તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. જેમાં મુખ્યત્વે સોલાર કંપનીને લાંબા ગાળાની લીઝ પર જમીન આપ્યા બાદ અને હંગામી એનએ થયા પછી પણ મૂળ જમીન માલિકનો ખેડૂત તરીકેનો કાનુની દરજ્જો યથાવત રહે છે કે નહીં, તેમજ તે ખેડૂત અન્ય જગ્યાએ નવી ખેતીની જમીન ખરીદી શકે કે કેમ તેવા પ્રશ્નો પ્રમુખ છે. આ ઉપરાંત આ જમીન ગુજરાત કૃષિ જમીન ધારણ મર્યાદા અધિનિયમ હેઠળ મૂળ જમીન માલિકની કુલ જમીન ધારણમાં ગણાશે કે નહીં, અને લીઝ સમયગાળા દરમિયાન જો ખેડૂત પોતાની જમીન વેચવા માંગે તો તે માત્ર અન્ય ખેડૂત વ્યક્તિને જ વેચી શકે કે પછી હંગામી એનએના કારણે બિન-ખેડૂત કે કોઈ કંપનીને પણ વેચી શકે, તેની પર ખેડૂત ધારો લાગુ પડે કે નહીં તે સ્પષ્ટ કરવું જરૂરી બન્યું છે. આ પ્રકારની જમીનો પર વારસાઈ હકોની નોંધણી, બેંક ધીરાણ અને અન્ય કાનુની વ્યવહારો કઈ શ્રેણી હેઠળ ગણાશે તથા હંગામી એન.એ. પછી જમીનનો મૂળ કૃષિ સ્વભાવ કાયદાની દ્રષ્ટિએ યથાવત રહે કે બદલાઈ જશે તે અંગે કાનુની સ્પષ્ટતા માંગવામાં આવી છે.
શ્રી મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રશ્નો માત્ર કોઈ વ્યક્તિગત કેસ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યના હજારો ખેડૂતોના ભવિષ્ય અને કરોડો રૂપિયાના રોકાણો સાથે સીધા જોડાયેલા છે. હાલમાં જુદા જુદા જિલ્લાઓમાં સ્થાનિક કક્ષાએ મહેસુલી અધિકારીઓ દ્વારા આ કાયદાઓનું અલગ-અલગ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારે કાનુની અનિશ્ચિતતા ઊભી થઈ છે. ખેડૂતોના હકો સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને સોલાર ક્ષેત્રે વહીવટી પારદર્શિતા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે એક સર્વગ્રાહી પરિપત્ર જારી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પરિપત્રથી ભવિષ્યમાં ખેડૂતો, મહેસુલી અધિકારીઓ, બેંકો અને રોકાણકારોના હિતો જળવાઈ રહેશે અને તેમની વચ્ચેના મોટા કાનુની વિવાદો અટકાવી શકાશે. આ અત્યંત મહત્વના વિષય પર મહેસુલ વિભાગ દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને ટૂંક સમયમાં યોગ્ય અને ન્યાયિક નિર્ણય કરવામાં આવશે તેવી આશા પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
-------------

Comments