Trending News
સ્થાનિક સમાચાર

અમદાવાદ રેલવે મંડળનું મે મહિનામાં માલ ભાડાની આવક ૫૧૭ કરોડને પાર

02 June


કચ્છના ગાંધીધામ ક્ષેત્રએ માલ લદાનમાં જાળવ્યું મોખરાનું સ્થાન :  ’કચ્છથી કાશ્મીર’ પરિવહન પહેલ હેઠળ ખાદ્ય તેલની પ્રથમ ખેપ રવાના કરાઈ


અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પરિચાલન વિભાગે મે ૨૦૨૬ દરમિયાન માલ લદાન, આવક સર્જન, માળખાકીય સુવિધાઓ તેમજ મુસાફર સેવાઓના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરીને સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. આ સમયગાળા દરમિયાન મંડળે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરીને પશ્ચિમ રેલવેના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.નાણાકીય અને માલ લદાનના ક્ષેત્રે અમદાવાદ મંડળે મે ૨૦૨૬ દરમિયાન ?૫૧૭.૩૪ કરોડ રૂપિયાની માલ ભાડા આવક પ્રાપ્ત કરીને એક મોટી સિદ્ધિ મેળવી છે. આ મહિને કુલ ૩.૯૩ મિલિયન ટન માલનું લદાન કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની સમાન અવધિના ૩.૮૩ મિલિયન ટનની સરખામણીએ ૨.૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ પ્રક્રિયા દરમિયાન મંડળમાં દરરોજ સરેરાશ ૨૬૩૯.૪૮ વેગનોનું લદાન નોંધાયું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મીઠાના લદાનમાં આશરે ૩૧.૫૩ ટકા, ખાતરોમાં ૧૩.૦૨ ટકા અને અન્ય કોમોડિટીઝના લોડિંગમાં ૨૨.૬૪ ટકા જેટલો મોટો વધારો જોવા મળ્યો છે. માલ લદાનના આ સમગ્ર વ્યવસ્થાપનમાં કચ્છ જિલ્લાનું ગાંધીધામ ક્ષેત્ર સૌથી આગળ રહ્યું છે, જ્યાં પ્રતિદિન સરેરાશ ૧૯૩૬.૯૭ વેગનોનું રેકોર્ડબ્રેક લદાન કરવામાં આવ્યું છે.
આ સાથે જ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના વિશેષ પ્રયાસોથી કચ્છ અને ગાંધીધામ ક્ષેત્રે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. મંડળ દ્વારા "કચ્છથી કાશ્મીર" માલ પરિવહન પહેલની સફળ શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ૨૦ બીસીએન વેગનોમાં ભીમાસરથી બારી બ્રાહ્મણ અને અનંતનાગ માટે ખાદ્ય તેલની પ્રથમ ઐતિહાસિક ખેપ રવાના કરવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લાના મુસાફરો માટે પણ રેલવે તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં ભુજથી દિલ્હી વચ્ચે દૈનિક એક્સપ્રેસ ટ્રેનની નવી સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ સનોસરા અને નલિયા સેકશન વચ્ચે રેલવે પુલ પરના ગતિ પ્રતિબંધોમાં રાહત આપીને ટ્રેનોની મહત્તમ ઝડપ ૭૦ કિમી પ્રતિ કલાકની કરવામાં આવી છે, જેનાથી કચ્છ વિસ્તારની રેલ કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે.માળખાકીય વિકાસ અને સંચાલન ક્ષમતાની દ્રષ્ટિએ પણ ચાંદખેડા અને ગાંધીગ્રામ વચ્ચે નવી વાય-કનેક્ટિવિટી શરૂ થયા બાદ પ્રથમ વખત આ માર્ગ પર ટ્રેનોનું સફળ સંચાલન શરૂ કરાયું છે. મંડળે આ મહિને રેકોર્ડ ૧૪૯ લૉન્ગ-હોલ ટ્રેનો દોડાવીને અગાઉના વર્ષની સરખામણીએ ૪૩૨ ટકાથી વધુનો અદભુત વધારો નોંધાવ્યો છે, જ્યારે ૧૭૨૦ જેટલી ક્રેક ટ્રેનોનું પણ સંચાલન કરવામાં આવ્યું છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પોઇન્ટ્‌સ પર ટ્રેનોના ઇન્ટરચેન્જમાં ૭.૪૩ ટકાનો વધારો થતાં તે સરેરાશ ૮૮.૧૯ ટ્રેનો પ્રતિદિન સુધી પહોંચ્યો છે. પરિચાલનને વધુ સુગમ બનાવવા માટે રાધનપુર અને પિપળી સેકશન વચ્ચેના લેવલ ક્રોસિંગને દૂર કરવા સહિતના ૪ મુખ્ય અવરોધોને કાયમી ધોરણે હટાવી દેવામાં આવ્યા છે.મુસાફર સુવિધાના ક્ષેત્રે અમદાવાદ મંડળે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપાલન દરમાં સુધારો કરીને તેને ૯૩.૧૨ ટકા સુધી પહોંચાડ્યો છે. વેકેશન અને તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ ટ્રેનોમાં ૪૩૪ જેટલા વધારાના કોચ જોડવામાં આવ્યા છે. આ મહિના દરમિયાન ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ જેવી નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના રૂટને જૈસલમેર સુધી વિસ્તૃત કરવામાં આવ્યો છે. આ સાથે જ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા વચ્ચે અગાઉ માંગના આધારે ચાલતી ડેમૂ સેવાને હવે નિયમિત ટ્રેન તરીકે પરિવર્તિત કરીને મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે. આમ, અમદાવાદ મંડળે માલ અને મુસાફર પરિવહન સહિત સુરક્ષા અને વ્યવસ્થાપનની બાબતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પશ્ચિમ રેલવેનું ગૌરવ વધાર્યું છે.
------------- 

Comments

COMMENT / REPLY FROM