કંપનીના માલની ચોરી અને વિશ્વાસઘાતના ગુનામાં ૧૫ આરોપીઓ સામે ભચાઉ પોલીસની કાર્યવાહી
ગાંધીધામ - કચ્છ ઉદય : ભચાઉ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ કંપનીના માલની ચોરી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાના આરોપસર ૧૫ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ ભચાઉ (આમરડી ઓપી) વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામ કરતા કેટલાક ઓપરેટરો, સુપરવાઈઝરો, ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરોએ મળીને કંપનીના માલની ગેરરીતિપૂર્વક હેરફેર કરી ચોરી આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કંપનીના સ્ટોકમાં સતત ઘટ જોવા મળતા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કંપનીમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મળતાવળ રાખી માલની ચોરી કરી અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી હતી. આ આધારે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે ફરિયાદના આધારે કંપનીમાં કાર્યરત સુપરવાઈઝરો, ઓપરેટરો, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા ડ્રાઈવરો તેમજ અન્ય વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ કંપનીના વિશ્વાસનો ભંગ કરી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.ભચાઉ પોલીસ દ્વારા ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓની ભૂમિકા, ચોરી થયેલા માલની ચોક્કસ કિંમત અને માલના વેચાણના નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવશે.

Comments