અદાણી ફાઉ. દ્વારા ૧૧ ગામોમાં આરોગ્ય કેમ્પમાં ૧૩પ૦થી વધુ લાભાર્થીઓની સારવાર કરાઈ
કચ્છના અંતરિયાળ ગામોમાં આરોગ્ય સેવા પહોંચતી થઈ : અદાણી હોસ્પિટલ, મુન્દ્રા અને જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજના સહયોગથી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પોનું આયોજન
ભુજ - કચ્છઉદય : કચ્છ જેવો વિશાળ અને વિસ્તરેલા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સુવિધાઓનો અભાવ આજે પણ એક મોટો પડકાર છે. આવા સમયમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવતી આરોગ્ય પહેલો ગ્રામ્ય જીવનમાં આશાનો કિરણ પુરવાર થઈ રહી છે. અદાણી હોસ્પિટલ, મુન્દ્રા અને જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજના સહયોગથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પોનું આયોજન કરીને ગામડાં સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવામાં આવી રહી છે.કેમ્પોમાં આંખ, બાળરોગ, દાંત, હાડકાં, સ્ત્રીરોગ અને જનરલ ફિઝિશિયન જેવા ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગામે જ તપાસ અને સારવાર કરવામાં આવી હતી, દર્દીઓને તેમની આરોગ્ય સ્થિતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, નિશુલ્ક દવાઓ આપવામાં આવી અને જરૂર મુજબ આગળની સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. એપ્રિલ અને મે ૨૦૨૬ દરમિયાન મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા, લુણી, રામણીયા, ગેલડા, વાઘુરા, અંજારના તાલુકામાં વીરા, ભલોટ, દયાપર સાઈટ ખાતે દેશલપુર - ગુતલી, ઉગેડી, ખાવડા સાઈટ ખાતેનાના અને મોટા બાંધા ગામે કેમ્પોમાં ૧૩૫૦થી વધુ ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો, જે ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે.અદાણી પોર્ટ્સના એક્સિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશનની આ પહેલો માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય સમાજમાં આરોગ્ય જાગૃતિ, વિશ્વાસ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. અમારો ઉદ્દેશ કચ્છના દૂરદરાજ વિસ્તારોમાં પહોંચતી આ સેવાઓ એકસ્વસ્થ અને સશક્ત સમાજ નિર્માણ તરફ લઈ જવાનો છે. આ પહેલમાં જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયતો, સરપંચો અને સ્થાનિક આગેવાનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો સાથે સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા સરકારની વિવિધ યોજનાઓ સાથે લાભાર્થીઓને જોડવાનું કાર્ય પણ સક્રિય રીતે કરવામાં આવ્યું હતું.
---

Comments