Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રામાં દારૂના અડ્ડાઓ પર એસએમસીના સરપ્રાઈઝ ચેકિંગથી બુટલેગર લોબીમાં ફફડાટ

01 June


મુન્દ્રામાં સ્ટેટ મોનિટરીંગ સેલે પિસ્તોલ પકડ્યા બાદ દારૂના પોઈન્ટ પર ઓચિંતી મુલાકાતથી ચર્ચાઓ બની તેજ : હવે કોનો વારો આવશે તેવી ભીતિએ ઘણા બુટલેગરોએ શટર પાડ્યા 


ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દેશી-વિદેશી દારૂનો કારોબાર વધ્યો હોવાની ફરિયાદ છે અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અનેક કાર્યવાહી કરી છે ત્યારે મુન્દ્રા તાલુકામાં પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા બાદ એસએમસીની ટીમે જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ધમધમતા દારૂના પોઈન્ટ્‌સ પર આકસ્મિક દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાણકારોના મતે, ચૂંટણી સમયે દારૂબંધીના કડક અમલને પગલે જે દારૂના અડ્ડાઓ બંધ થઈ ગયા હતા, તે આચારસંહિતા હટતાની સાથે ફરીથી ધમધમતા થઈ ગયા હતા. અગાઉ ભુજ તાલુકાના વડવાળા ગામમાં રૂ. ૪ કરોડના વિદેશી દારૂનો મોટો જથ્થો 
ઝડપાયો હોવા છતાં, તેના મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી સ્થાનિક બુટલેગરોમાં એક પ્રકારનો છૂપો ડર હતો. પરંતુ હવે એસએમસીની ટીમે ફિલ્ડમાં ઉતરીને અડ્ડાઓ પર તપાસ શરૂ કરી છે, તેનાથી બુટલેગર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સ્તરે પોલીસ તંત્રની કામગીરી સામે જ્યારે સવાલો ઉભા થઈ રહ્યા હતા, ત્યારે આ સરપ્રાઈઝ લટાર બુટલેગરો માટે આફત સમાન બની છે. અનેક બુટલેગરોએ પોતાના અડ્ડાઓ પર તાળા મારીને અંડરગ્રાઉન્ડ થવાનું પસંદ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. એસએમસીની તપાસથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે અને કોનો વારો ક્યારે આવશે તેવો ગભરાટ જોવા મળી રહ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM