મુંદરામાં SMC નો દરોડો : આધુનિક હથિયાર કાંડ ઝડપાયું
બે મેગેઝીન, ૧૪ કારતુસ સહિતનો મુદ્દામાલ પણ મળ્યો : બાડમેરના શખ્સનું નામ ખુલ્યું : દારૂ અને ઓનલાઈન ક્રીકેટ સટ્ટાઓ બાદ હવે કચ્છમાં એસએમસીને હથીયાર પકડવા પણ દોડી આવવુ પડયું : સ્થાનિક ખાખીધારીઓ કેમ ઉંઘતા રહી ગયા?
ભુજ - કચ્છઉદય : જિલ્લામાં દારૂ અને ઓનલાઈન ક્રિકેટના સટ્ટા પર અગાઉ એસએમસીએ દરોડા પાડયા છે, ત્યારે હવે એસએમસીએ હથિયાર પકડવા માટે દરોડો પાડયો હતો. મુંદરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાના કપાયા ગામ પાસે અદાણી બાયપાસ રોડ પર કાર્યવાહી કરીને એસએમસીએ બે શખ્સને બે પીસ્તોલ સાથે ઝડપી લીધા હતા. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસએમસીના પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે મુંદરાના ઉમિયાનગર પાસે આવેલ સદગુરૂ સ્માર્ટ વીલામાં રહેતા રમેશભાઈ રામભાઈ ગઢવી અને મુંદરામાં પોર્ટ કોલોની પાસે બોયસ હોસ્ટેલમાં રહેતા કિશનભાઈ હરજીભાઈ સલાણીને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી ૯ એમએમની બે પીસ્તોલ કિંમત રૂા. બે લાખ ઉપરાંત બે મેગેઝીન, ૧૪ કારતુસ તેમજ ત્રણ મોબાઈલ મળી કુલ્લ રૂા. ૩.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલ રાજસ્થાનના બાડમેરના ધનરાજરામ હનુમાનરામ ચૌધરી પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપવામાં આવી છે. રાજસ્થાનનો શખ્સ ફરાર છે. એસએમસીએ મુંદરા પોલીસમાં હથિયારધારાનો ગુનો દાખલ કરાવ્યો હતો. બન્ને શખ્સોએ કયા ઈરાદે પીસ્તોલ મેળવી હતી. કોઈ ગુનાને અંજામ આપવાના હતા કે શોખ ખાતર લીધી હતી, તે સહિતની દિશામાં એસએમસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પશ્ચિમ કચ્છમાં એસએમસીની ઘણી રેડો પડી છે. હાલમાં જોવા જઈએ તો હથિયાર પકડવા માટે ગાંધીનગરથી પોલીસને આવવું પડયું છે. સ્થાનીક મુંદરા પોલીસ અને એસઓજીનો સ્ટાફ કયાંકને કયાંક હથિયારબંધીના કેસો શોધવામાં અંધારામાં રહી ગયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
........................
મુંદરામાં અગાઉ શાર્પ શુટર પણ પકડાયા છે : બી રોલ ની કામગીરી કરો સજજડ
મહત્વની બાબત એ છે કે, ઔદ્યોગીક એકમોના કારણે મુંદરા વિસ્તારમાં યુપી, બિહાર, ઝારખંડ, બંગાળ સહિતના વિસ્તારોમાંથી ઘણા લોકો મજુરી માટે આવ્યા છે. આ સિવાય ટ્રાન્સપોર્ટના કારણે પંજાબ, રાજસ્થાન, હરિયાણાના ડ્રાઈવરો પણ અહીં અવરજવર કરતા હોય છે. ભૂતકાળમાં પંજાબી સિંગર સિધુ મુસેવાલાના મર્ડર કેસના શાર્પ શુટર મુંદરાથી પકડાયા હતા. આ સિવાય લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતો પણ મુંદરાથી પકડાઈ ચુકયા છે. ખાસ કરીને ગુનેગારો ગુનાને અંજામ આપીને મુંદરામાં આવીને શ્રમિકના પહેરવેશમાં છુપાઈ જાય છે અને બાદમાં મુંદરા ગુનાખોરીનું હબ બની જાય છે. ગુનાઓ અટકાવવા માટે બારાતુ તત્વોના વેરીફીકેશન અને બીરોલ યોગ્ય રીતે ભરાય તે જરૂરી છે.

Comments