Trending News
સ્થાનિક સમાચાર

રાયધણપર ગામે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઘર્ષણ, સામસામે પથ્થરમારો કરાયો

30 May

સ્પીડમાં બાઈક હંકારવા અને સામે જોવા જેવી નજીવી બાબતે મામલો બિચક્યો : આખી રાત ધમાસાણ બાદ અંતે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી : ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બંને સમાજના આગેવાનો મધ્યસ્થી બની યુવાનોને આપે સમજણ

રાયધણપરની ઘટના બાદ કોમી એકતા જળવાઈ રહે તે સમયની સૌથી મોટી જરૂરિયાત

કાયદાકીય કાર્યવાહીમાં પોલીસને સહયોગ આપવા અપીલ

ઘટનાને વધુ તુલ આપવાના બદલે હવે તેને શાંતિ, સમજણ અને ભાઈચારાના માર્ગે ઉકેલવાનો સમય આવી ગયો છે

આ પ્રક્રિયામાં સૌએ સહયોગ આપવો જોઈએ. કારણ કે નાની બાબતોમાં મનભેદ અને દ્વેષના બીજ વાવવામાં આવે તો તેનો સૌથી મોટો ભોગ આવનારી પેઢી બને છે. યુવાનોમાં ભાઈચારા અને પરસ્પર સન્માનની ભાવના જળવાઈ રહે તે સમાજના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે


આજનો સમય સંદેશ આપે છે કે “મઝહબ નહીં શીખવતો આપસમાં બેર રાખવું”. કચ્છની ઓળખ કોમી એકતા, સહિષ્ણુતા અને ભાઈચારાથી છે અને આ ઓળખને જાળવી રાખવાની જવાબદારી દરેક કચ્છવાસીની છે

કચ્છના વિકાસ પર પણ પડી શકે છે આડઅસર : જયાં સંપ-ભાઈચારો મજબુત હોય ત્યાં જ વિકાસ થાય છે : ઉદ્યોગો શાંતી-સંપ હશે ત્યાં જ વધુને વધુ આવશ : જો ઉદ્યોગો મોઢું ફેરવે તો અવનારી પેઢીને જ નુકસાન થશે



ભુજ તાલુકાના રાયધણપર ગામે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે થયેલી અથડામણ અને પથ્થરમારાની ઘટનાએ સમગ્ર કચ્છનું ધ્યાન ખેંચ્યું છે. જોકે આ ઘટનાને વધુ તુલ આપવાના બદલે હવે તેને શાંતિ, સમજણ અને ભાઈચારાના માર્ગે ઉકેલવાનો સમય આવી ગયો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર પોતાની ફરજ બજાવી રહ્યું છે, પરંતુ સામાજિક સ્તરે પણ બંને સમાજના આગેવાનો અને જવાબદાર નાગરિકોની ભૂમિકા એટલી જ મહત્વની બની રહે છે.
કચ્છ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક તરીકે ઓળખાય છે. દેશના અન્ય વિસ્તારોમાં ક્યારેક કોમી તણાવના બનાવો બનતા રહ્યા છે, પરંતુ કચ્છે હંમેશા સંયમ, સમજદારી અને પરસ્પર વિશ્વાસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો વર્ષોથી દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. સુખ હોય કે દુઃખ, તહેવાર હોય કે સામાજિક પ્રસંગ, બંને સમાજના લોકો ખભેખભા મિલાવીને સાથે ઉભા રહેતા આવ્યા છે.
રાયધણપરમાં બનેલી ઘટના શરૂઆતમાં સામાન્ય તકરાર હતી, પરંતુ વાત વણસતાં તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. હવે જરૂરી છે કે આ ઘટનાને વધુ વિકરાળ સ્વરૂપ ન આપવામાં આવે. બંને સમાજના આગેવાનો, વડીલો અને બુદ્ધિજીવીઓ આગળ આવી યુવાનોને સાચી દિશા બતાવે અને શાંતિ તથા સમાધાનનો માર્ગ અપનાવે. કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક વાતો અથવા સોશિયલ મીડિયામાં ફેલાતી ગેરમાર્ગે દોરતી માહિતીથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે.પોલીસ તંત્ર કાયદાની દ્રષ્ટિએ પોતાની કામગીરી કરી રહ્યું છે અને જે કોઈ દોષિત હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ પ્રક્રિયામાં સૌએ સહયોગ આપવો જોઈએ. કારણ કે નાની બાબતોમાં મનભેદ અને દ્વેષના બીજ વાવવામાં આવે તો તેનો સૌથી મોટો ભોગ આવનારી પેઢી બને છે. યુવાનોમાં ભાઈચારા અને પરસ્પર સન્માનની ભાવના જળવાઈ રહે તે સમાજના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે.વર્તમાન સમયમાં દેશ અને વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. સરહદી જિલ્લો હોવાના કારણે કચ્છની જવાબદારી વધુ વધી જાય છે. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા આ જિલ્લામાં આંતરિક શાંતિ, સામાજિક સૌહાર્દ અને એકતા જ સૌથી મોટી શક્તિ છે. આવી સ્થિતિમાં પરસ્પર અથડામણો કે જૂથવાદ કોઈના હિતમાં નથી.આજનો સમય સંદેશ આપે છે કે “મઝહબ નહીં શીખવતો આપસમાં બેર રાખવું”. કચ્છની ઓળખ કોમી એકતા, સહિષ્ણુતા અને ભાઈચારાથી છે અને આ ઓળખને જાળવી રાખવાની જવાબદારી દરેક કચ્છવાસીની છે. રાયધણપરની ઘટનાને અંતિમ બનાવ બનાવી બંને સમાજના આગેવાનો સમાધાન, સંવાદ અને સૌહાર્દનો માર્ગ અપનાવે તે જ કચ્છના હિતમાં અને સમગ્ર સમાજના ભવિષ્ય માટે શ્રેષ્ઠ સાબિત થશે.

Comments

COMMENT / REPLY FROM