કચ્છમાં આરટીઈ અંતર્ગત બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ૧૮૯ વિદ્યાર્થીઓને ફાળવાઈ બેઠકો
૪ જૂન સુધીમાં શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા વાલીઓને સૂચના
ભુજ - કચ્છઉદય : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા આર.ટી.ઈ. અર્થાત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશની મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલ કાર્યક્રમ મુજબ પ્રથમ રાઉન્ડમાં ૨૨૬૮ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યા બાદ, હવે ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ બીજા રાઉન્ડમાં કુલ ૧૮૯ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે, જે અંગેની જાણકારી સંબંધિત વાલીઓને મેસેજ દ્વારા કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા માટેની નિર્ધારિત સમયમર્યાદા અંગે માર્ગદર્શન આપતા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વાલીઓએ ૪ જૂન સુધીમાં જે તે શાળામાં જઈને પોતાના પાલ્યનો પ્રવેશ નિશ્ચિત કરી લેવાનો રહેશે. આ પ્રક્રિયા માટે વાલીઓએ સૌ પ્રથમ અધિકૃત પોર્ટલ પર જવું પડશે. પોર્ટલ પરના એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મતારીખ દાખલ કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કરેલા પ્રવેશ પત્રની પ્રિન્ટ મેળવીને વાલીઓએ જરૂરી અસલ આધાર-પુરાવા સાથે શાળાએ રૂબરૂ હાજર રહેવાનું રહેશે.સમયમર્યાદામાં પ્રવેશ મેળવવો અનિવાર્ય છે, કારણ કે નિર્ધારિત તારીખ બાદ પ્રવેશ રદ ગણવામાં આવશે. જે વાલીઓને આ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી, તેઓ ઓનલાઇન પોર્ટલ પર જઈને પોતાની અરજીની સ્થિતિ વિશે માહિતી મેળવી શકે છે. શાળા સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા અસલ દસ્તાવેજોની ચકાસણી કરે અને ત્યારબાદ ઓનલાઇન એડમિટ બટન પર ક્લિક કરીને શાળા કક્ષાએ પ્રવેશ કન્ફર્મ કરે.ભુજના નોડલ ઓફિસર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશ ગોર દ્વારા જણાવાયું છે કે, પ્રવેશ પ્રક્રિયા અંગે જો કોઈ વાલી કે શાળાને મુશ્કેલી પડે, તો તેઓ હેલ્પલાઈન નંબર ૯૪૨૬૧૨૭૬૮૨ પર સંપર્ક કરી શકે છે. વાલીઓને સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન કરી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Comments