Trending News
સ્થાનિક સમાચાર

કંડલાના કોલસા દલાલનો ખેલ : અમદાવાદના વેપારીને ૬૪ લાખનો ચોપડ્યો ચૂનો

29 May

કંડલા પોર્ટના નામે વિશ્વાસઘાત કરી પાંચ કંપનીઓના માલિકો સાથે મળી આચરેલી લાખોની ઠગાઈમાં વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના વેપારી મથક અને આંતરરાષ્ટ્રીય દરજ્જો ધરાવતા કંડલા પોર્ટના નામે ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના એક વેપારી સાથે ૬૪.૩૦ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. કંડલાના એક દલાલે સસ્તા ભાવે કોલસો અપાવવાની લાલચ આપી અમદાવાદના બોડકદેવમાં રહેતા વેપારી કિશન અંબાવીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ પોતાની સાથે અન્ય પાંચ કંપનીના માલિકોને જોડી આખું કૌભાંડ રચ્યું હતું. આ ઘટનામાં કચ્છના કંડલા પોર્ટ પર મજૂરી અને ટ્રાન્સપોર્ટના નામે ૮ લાખ રૂપિયા રોકડા પડાવી લીધા બાદ પણ માલ ન મોકલીને ઠગોએ ગુજરાતના વેપાર જગતમાં કચ્છની છબી ખરડાય તેવું કૃત્ય કર્યું છે.ઘટનાની વિગત મુજબ વર્ષ ૨૦૨૨માં કંડલાના રાજ ઐયાચી નામના દલાલે પોતાને કોલસા માર્કેટનો નિષ્ણાત ગણાવી વેપારી સાથે સંપર્ક સાધ્યો હતો. ૧૫ ટકા કમિશનના કરાર બાદ દલાલે અમદાવાદના વેપારીને ભરોસામાં લઈ ડિસેમ્બર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન વિવિધ કંપનીઓ મારફતે કોલસો મંગાવવાનું નાટક કર્યું હતું. ઇન્ડોનેશિયાથી કોલસો આયાત કરવાના બહાને લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ માલ ન મળતા વેપારીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આરોપીઓએ ફેક બિલ અને બોગસ ઈ-વે બિલ બનાવીને તેમની સાથે છેતરપિંડી આચરી છે. માત્ર એટલું જ નહીં, કંડલા પોર્ટ પર મજૂરો અને વાહન વ્યવહારના ખર્ચના નામે વેપારી પાસેથી ૮ લાખ રૂપિયા રોકડા પણ વસૂલી લીધા હતા. આ ગંભીર છેતરપિંડી મામલે અંતે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, 

 

Comments

COMMENT / REPLY FROM