આદિપુર પોલીસની મોટી કાર્યવાહી - રૂ. ૮.૮૨ લાખથી વધુના દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
આદિપુર : પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, મે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા(બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ) અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની દેખરેખમાં આદિપુર પોલીસ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની સૂચનાથી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તથા સર્વેલન્સ અને સી-બીટ સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન શીણાય વિસ્તારમાંથી પ્રોહિબિશનના મુદ્દામાલની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે સફળ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે મીતરાજસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. અંતરજાળ) અને નટુભાઈ પ્રહલાદભાઈ ઠાકોર (રહે. મેઘપર બોરીચી) ને ઝડપી પાડ્યા હતા, જ્યારે સુચિત અગ્રવાલ (રહે. ગાંધીધામ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ બ્રાન્ડની દારૂની કુલ ૨૩૦થી વધુ બોટલો, બે કાર તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૮,૮૨,૮૨૫નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આદિપુર પોલીસ દ્વારા કુખ્યાત બુટલેગરો સામે દાખવેલી આ કડકાઈથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments