Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના નાગ્રેચા ગામ નજીક વિસ્તારમાં જળસંચયના નામે કરોડો રૂપિયાના ખનીજની ખનન

28 May

ગામને બદલે ખનીજવાળા સીમ વિસ્તારોમાં તળાવો મંજૂર કરાવી ખનીજ માફિયાઓનો કાળો કારોબાર :  અબડાસા-લખપત -નખત્રાણા બાદ હવે માંડવી અને મુન્દ્રા પંથકમાં સરકારી યોજનાના નામે ખનીજ ચોરી : પૂર્વ કલેક્ટર આનંદ પટેલની ટાસ્ક ફોર્સ કાગળ પર, ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ ઘોર નિદ્રામાં : નવા કલેકટર કડક પગલા ભરે તે જરૂરી


ભુજ - કચ્છઉદય : કચ્છના પેટાળમાં અમૂલ્ય ખનીજ સંપદા ધરબાયેલી છે, પરંતુ આ સંપદા હવે ખનીજ માફિયાઓ માટે કમાણીનું મોટું સાધન બની ગઈ છે. ખાસ કરીને લખપત, અબડાસા અને નખત્રાણા જેવા તાલુકાઓમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો વચ્ચે હવે સરકારી સિંચાઈ યોજનાઓ અને જળસંચયના કામોનો જેવી અનેક સરકારી યોજનાઓનું દુરુપયોગ કરી માંડવી તાલુકાના નાગ્રેચા ગામના નજીક વિસ્તારમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. કચ્છના દુર્ગમ વિસ્તારોમાં નર્મદાના પાણી સિવાય કોઈ કાયમી સ્ત્રોત ન હોવાથી, ખેતી અને પશુપાલન સંપૂર્ણપણે વરસાદી પાણી પર નિર્ભર છે. મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સરકાર દ્વારા અલગ અલગ સિંચાઈ યોજનાઓ અંતર્ગત તળાવ ખોદવા અને ઊંડા કરવાના કામોને મંજૂરી આપવામાં આવે છે. નિયમ મુજબ આ તળાવો ગામની નજીક મંજૂર થવા જોઈએ જેથી સ્થાનિક લોકોને તેનો સીધો ફાયદો મળે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ યોજના મુળ જ્યાં ખનીજ ન હોય ત્યાં કામ થવા જોઈએ પણ કૌભાંડ કરવા માટે સરકારની કરોડો રૂપીયાનું ખનીજ આવી સરકારી યોજનાઓનું દુર ઉપયોગ કરીને કરવામાં આવે છે. હવે તેમાં અંદરો અંદર આ ખનીજનો ઓકશન પ્રણાલીની પણ ભારે ચર્ચા જાગી છે. કચ્છમાં જ્યાં આ કામ ચાલી રહ્યા છે તે ગામ અને તેની બાજુનો ગામમાં એવી પણ અનેક વિસ્તાર આવેલા છે જ્યાં ખનીજ નથી છતાં તે આ કામ શાટે નથી કરતા..? તે એક પ્રશ્ન છે. જાણકારો એવી વિગતો આપતા જણાવે છે કે, કાયદેસરના કામમાં ગેરકાયદેસરનું ટેકનીક વાપરવામાં આવી રહી છે તે એક ચર્ચાનો પ્રશ્ન ભન્યો છે.જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં કિંમતી ખનીજ આવેલું હોય તેવા સીમ વિસ્તારોમાં મિલીભગતથી તળાવના કામો મંજૂર કરાવવામાં આવે છે. ત્યારબાદ તળાવ ખોદકામની આડમાં નીકળતી કિંમતી માટી અને ખનીજનો બારોબાર વેપલો કરી દેવામાં આવે છે. જળસંગ્રહન હેતુને નેવે મૂકીને ખનીજ માફિયાઓ તળાવના નામે ખનીજ ચોરીનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે.હાલમાં મળતી માહિતી મુજબ, લખપત, નખ્ત્રાણા અને અબડાસા બાદ હવે માંડવી તાલુકાના નાગ્રેચા ગામ નજીકના વિસ્તારોમાં પણ આ પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે. સરકારી યોજનાઓના નામે રાત-દિવસ તળાવો ખોદાઈ રહ્યા છે અને તેમાંથીનીકળતા ખનીજની બેરોકટોક હેરફેર થઈ રહી છે. આટલા મોટા પાયે ખનીજ લૂંટ ચાલી રહી હોવા છતાં ભુજ ખાણ-ખનીજ વિભાગ જાણે અજાણ હોય તેવું વલણ દાખવી રહ્યો છે. બીજી તરફ, પોલીસ પણ માત્ર એકલ-દોકલ વાહનો પકડીને સંતોષ માની રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના કલેક્ટર આનંદ પટેલ દ્વારા ખનીજ ચોરી ડામવા માટે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. શરૂઆતના મહિનામાં આ ટાસ્ક ફોર્સે સારી કામગીરી કરી હતી, પરંતુ ત્યારબાદ તે નિષ્ક્રિય થઈ ગઈ. હવે જ્યારે કલેક્ટરની બદલી થઈ ગઈ છે, ત્યારે આ ટાસ્ક ફોર્સ ક્યાંક કાગળ પર ખોવાઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે, અને ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે. જ્યાં સુધી ઉચ્ચ સ્તરેથી કોઈ કડક તપાસ અને સઘન કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી સરકારી યોજનાઓની આડમાં કચ્છની ખનીજ સંપદાની લૂંટ આમ જ ચાલુ રહેશે તેવો ભય સ્થાનિક જાગૃત નાગરિકો વ્યક્ત કરી 
રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM