Trending News
સ્થાનિક સમાચાર

ઈંગ્લેન્ડના ઝુમ એન્ડ પાર્ક યોગા ગ્રુપ દ્વારા માધાપરનાં સારવાર કેન્દ્રને મળી એમ્બ્યુલન્સની ભેટ

27 May

ઈંગ્લેન્ડમાં એક બિલાડીના મૃત્યુની સંવેદનાએ બિલાડી, કુતરાની સારવાર માટે માધાપરમાં કાર્યરત “પપ્પી કડલ્સ” સંસ્થાને અપાવ્યું એમ્બ્યુલન્સ વાહન

સુખપર - કચ્છઉદય : ભુજની બાજુમાં માધાપર ગામે બિનવારસુ બિલાડી અને કુતરાઓની કોઈપણ જાતની તકલીફ માટે “પપ્પી કડલ્સ” નામે એક સારવાર કેન્દ્ર ચાલી રહ્યું છે. ‘માત્ર માનવ નહીં પણ દરેક જીવો માટે દયાળુ બનો’ નાં સુત્ર સાથે આ અબોલ જીવો માટે સમર્પિત કેન્દ્રના સંચાલક દેવાંગીબેન મહેતાએ માધાપરના સેવાભાવી મનોજભાઈ સોલંકીની નાનકડી જગ્યામાં ત્રણેક વર્ષ પહેલાં સાવ નાના પાયે ચાલુ કરેલ આ સેવા પ્રવૃતિથી કેન્દ્ર અત્યારે ૧૫૦ જેટલા કુતરા અને પંદર જેટલી બિલાડીઓથી ખીચોખીચ ભરાઈ ગયું છે, જેમાં ચામડી, કેન્સર, હડકવા અને લકવા સહિતની બીમારીઓ અને અકસ્માતગ્રસ્ત લુલા લંગડા જીવો પણ સામેલ છે.આ અબોલ જીવોના ખરાબ રીતે સડી ગયેલ વિકૃત શરીર અને તેમના સંડાસ - પેશાબની દુર્ગંધ વચ્ચે થતી આ અકલ્પનિય સેવાની સુવાસ મુળ માધાપર અને હાલે ઇંગ્લેન્ડ સ્થિત કાન્તાબેન પટેલ પાસે પહોંચતાં તેમણે સ્થાનિકો દ્વારા તપાસ કરાવતાં નિઃસ્વાર્થ ભાવે થતાં કામથી પ્રભાવિત થઈને કેન્દ્રમાં ખુટતી અનેક સુવિધાઓમાં મુખ્યત્વે એમ્બ્યુલન્સ વાહનની તાત્કાલિક જરૂર જણાતાં તેમણે આ વ્યવસ્થા કરી આપવા કમર કસી અને થોડા મહિના પહેલાં જ કાન્તાબેનની બિલાડીનું કોઈ બિમારીથી મૃત્યુ પામતાં તેની સંવેદનાના ભાગરૂપે તેમની આ ઇચ્છા પ્રબળ બની. કાન્તાબેન ઈંગ્લેન્ડમાં સ્વતંત્ર રીતે યોગ ક્લાસ ચલાવે છે અને કોરોનાની અતિ કપરી પરિસ્થિતિમાં લોકોને ઘેર બેઠાં માનસિક અને શારીરિક રાહત આપવા માટે મોબાઇલની ઝૂમ એપ્લિકેશનથી અને બગીચાઓમાં યોગના ક્લાસ સાથે “ઝુમ એન્ડ પાર્ક યોગા ગ્રુપ” બનાવીને પોતાની આવડતનો સદુપયોગ ઉપયોગ કર્યો. વિદેશમાં આવી રીતે ચાલતા ક્લાસોમાં ખુબ સારી આવક થતી હોય છે, પણ કાન્તાબેનની નિઃશુલ્ક સેવાનો લાભ લેતાં બહેનો દ્વારા જે પણ સ્વૈચ્છિક યોગદાન મળે તેનો મુખ્યત્વે ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ અને યુપી સહિતના ભારતના રાજ્યોમાં નબળી આર્થિક પરિસ્થિતિના બાળકોને સ્કુલ યુનિફોર્મ, ભોજનના વાસણ, બુટ, ચંપલ અને જરૂરિયાતમંદો માટે છાસ કેન્દ્ર સાથે મોટેપાયે કપડાં વિતરણમાં આ રકમનો સદુપયોગકરતાં રહ્યાં છે.
પોતાના ગ્રુપમાં એમ્બ્યુલન્સ વાહન માટે જરૂરી રકમની ટહેલ નાખતાં બહુ જ સારો પ્રતિસાદ મળ્યો અને સંસ્થા માટે તાત્કાલિક ધોરણે ૬.૫૦ લાખની રકમનું વાહન ખરીદાઈ પણ ગયું. આ કેન્દ્રમાં કુતરા અને બિલાડીઓને સાથે રાખવાનું બહુ જોખમી હોવાથી કાન્તાબેન દ્વારા બિલાડીઓની અલાયદી વ્યવસ્થા માટે સ્વખર્ચે રૂ. દોઢ લાખના ખર્ચે છાપરાં સાથેનો રૂમ અને દવાઓ માટે પણ રૂ. ૪૦ હજારનો સહયોગ કરવામાં આવ્યો છે. જુનાં વાહનો બગડી ગયાં હોવાથી કેન્દ્ર માટે નવાં વાહનની અને છાપરાંની અતિ મહત્વની જરૂરિયાત પુરી થતાં દિવ્યાંગીબહેને ઝુમ એન્ડ પાર્ક યોગા ગ્રુપના સૌ સભ્યોનો હ્રદયથી આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આ વાહન મળવાથી અમે વધુ સારી અને ઝડપી સેવા આપી શકીશું એવું દાતા અને સારવાર કેન્દ્ર સાથે સંકલનકર્તા પ્રવિણ વરસાણી અને રામજી વેલાણીની યાદીમાં જણાવાયું છે. 

Comments

COMMENT / REPLY FROM