Trending News
સ્થાનિક સમાચાર

‘ભાનુ નવચેતના અભિયાન’ દ્વારા યુવાનોને શિક્ષણ, ઉદ્યોગ અને આત્મવિકાસની પ્રેરણા

27 May

ઘાટકોપર - કચ્છઉદય : સદગુરૂ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ નિમિત્તે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ પ્રેરિત તથા વિરબાઈ દેયાતભાઈ જેરામભાઈ નંદા બિટ્ટાવાળા પરિવાર આયોજિત ભાનુ નવચેતના અભિયાન અંતર્ગત ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમનું ઘાટકોપર પૂર્વ સ્થિત ભાનુશાલી બેંક્‌વેટ હોલ ખાતે ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનોમાં શિક્ષણ, કારકિર્દી, ઉદ્યોગ તથા આત્મવિકાસ પ્રત્યે જાગૃતિ લાવવી તેમજ સમાજમાં એકતા, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ રહ્યો હતો. કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રથમ દિવસે ૨૪મી મેના કેરિયર ગાઇડન્સ સેમિનાર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, નવી કારકિર્દીની તકો તથા ભવિષ્યના રોજગાર ક્ષેત્ર અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી સતત કેરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા હજારો યુવાનોને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહી છે. બીજા દિવસે ૨૫મી મેના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રતિષ્ઠિત ઉદ્યોગોની મુલાકાત યોજાઈ હતી. જેમાં જય પ્રિસિઝન ફાર્માસ્યુટિકલ પ્રા. લિ. (સિપ્લા લિ.), અમૂલ ડેરી, જૉનસન એન્ડ જૉનસન તથા મેગ્નમ લિ. જેવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયા, આધુનિક ટેકનોલોજી, ઔદ્યોગિક વ્યવસ્થાપન તથા વ્યવસાયિક કાર્યપદ્ધતિ અંગે પ્રાયોગિક માહિતી મેળવી ઉદ્યોગ જગતનો નજીકથી અનુભવ લીધો હતો.ત્રીજા દિવસે ૨૬મી મેના શૈક્ષણિક અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાણીતા ઉદ્યોગપતિ, ઇન્વેસ્ટર અને પોડકાસ્ટર જય ઠાડેશ્વરે યુવાનોને સફળ જીવન માટે જરૂરી સકારાત્મક વિચારસરણી, કરિયર ગ્રોથ, ઉદ્યોગસાહસિકતા તથા ભવિષ્યની તકો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સાંજે ૭ વાગ્યા બાદ સદગુરૂ ભગવાન ઓધવરામના સંભારણા રૂપે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી તથા રાજ ગઢવી દ્વારા ભજન અને લોકસંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન હજારો લોકો ભક્તિભાવ સાથે ઝૂમી ઉઠ્યા હતા.કાર્યક્રમમાં કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી શંભુભાઈ માવ, વલ્લભભાઈ ભદ્રા, મોહનભાઈ દામા, પ્રમુખ ડૉ. હર્ષદભાઈ મંગે, મહામંત્રી કૈલાશભાઈ ગજરા, ટ્રસ્ટી હરીશભાઈ શેઠિયા, દિનેશભાઈ ચાંદ્રા, દામજીભાઈ હુરબડા, અશોકભાઈ ભદ્રા, ભાવેશભાઈ મંગે, ઉપપ્રમુખ રણછોડભાઈ નંદા, રાજેશભાઈ જોયસર તેમજ કાર્યક્રમના યજમાન દેવજીભાઈ દેયાતભાઈ નંદા તથા સંસ્થાના સમસ્ત કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત દેશ મહાજનના પ્રમુખ શ્રી,  ગોવિંદભાઈ માવ, દિનેશ ચંદ્રા સહિત ભાનુશાલી સમાજના દેશભરના રહેતા વિવિધ શહેરોના સંસ્થાના પ્રમુખો, મહામંત્રીઓ કમિટી મેમ્બર તથા અનેક મહાનુભાવો અને માન્યવરોએ પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું.શિક્ષણ, ઉદ્યોગ અને આત્મવિકાસના માધ્યમથી સમાજના યુવાનો પ્રગતિશીલ, સશક્ત અને એકતાસભર સમાજના નિર્માણમાં યોગદાન આપે તે માટે મોટી સંખ્યામાં જોડાવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM