Trending News
સ્થાનિક સમાચાર

અંજારની ખેતીની જમીનના વેચાણ અંગેની અપીલ નામંજૂર

27 May

અંજાર - કચ્છઉદય : અંજાર શહેરની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર ૪૧૩ વાળી ખેતીની જમીનના માલિકી હકના વિવાદમાં કચ્છના કલેક્ટર દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની વિગત મુજબ, આ જમીન અગાઉ હરીબાઈ લાલજી મિસ્ત્રીએ તેમના માતૃશ્રીની માલિકીની હોવાનો દાવો કરી વાંધો રજૂ કર્યો હતો. હરીબાઈનો આક્ષેપ હતો કે તેમના માતૃશ્રીએ આ જમીન જેરામ નારાણ મિસ્ત્રીને ગીરો આપી હતી. જોકે, વર્ષ ૧૯૬૯માં આ જમીન વેચાણ વ્યવહાર દ્વારા વાલજીભાઈ મેઘાભાઈ ચોટારા (સોરઠીયા) એ ખરીદી હતી અને ત્યારબાદ વર્ષ ૧૯૮૭માં રામજીભાઈ મેઘાભાઈ ચોટારા (સોરઠીયા) ને વેચાણ કરવામાં આવી હતી. તાજેતરમાં વર્ષ ૨૦૨૪માં રામજીભાઈ મેઘાભાઈ દ્વારા આ જમીન કાનજી ભચુ આહીર તથા ત્રિકમ જીવા આહીરને વેચાણ દસ્તાવેજથી વેચવામાં આવતા તેની નોંધ રેવન્યુ દફતરે ક્રમાંક ૧૨૯૩૫ તરીકે દાખલ કરવામાં આવી હતી.આ નોંધ સામે હરીબાઈ લાલજી મિસ્ત્રીએ ઈ-ધરા શાખામાં વાંધો રજૂ કર્યો હતો. નાયબ કલેક્ટર અંજાર સમક્ષ ચાલેલા આ તકરારી કેસમાં વાંધાને નામંજૂર કરી વેચાણ નોંધ પ્રમાણિત કરવામાં આવી હતી. આ હુકમ સામે હરીબાઈ લાલજીએ કલેક્ટર કચ્છ સમક્ષ અપીલ કરી હતી. કલેક્ટર દ્વારા કરવામાં આવેલી સુનાવણી દરમિયાન નોંધવામાં આવ્યું હતું કે રેવન્યુ રેકોર્ડમાં ગીરો વ્યવહારની કોઈ નોંધ ઉપલબ્ધ નથી. વડીલોએ ગીરો રાખ્યો હોવાના દાવા કે ગીરો છોડાવવાના હકની બાબત માત્ર દીવાની અદાલત જ નક્કી કરી શકે છે. રેવન્યુ દફતરે જેનું નામ ચાલુ હોય તેના દ્વારા થતા વેચાણ વ્યવહારની નોંધ ’રેકોર્ડ ઓફ રાઈટ્‌સ’ના સિદ્ધાંત મુજબ પ્રમાણિત કરવી યોગ્ય હોવાનું જણાવી, કલેક્ટરે અપીલ કરનારનો વાંધો નામંજૂર કરીને અગાઉનો હુકમ કાયદેસરનો ઠેરવ્યો છે. આ કેસમાં સામાવાળા રામજી મેઘજી સોરઠીયાના વકીલ તરીકે ઠક્કર એસોસિએટ્‌સના મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર તથા કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM