ભુજમાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે યોજાયો વેલફેર અવેરનેસ કેમ્પ
છેવાડાના વિસ્તારોમાં વસતા પૂર્વ સૈનિકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા હેતુથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ભૌગોલિક વિસ્તારની વિશાળતા અને પૂર્વ સૈનિકોના પરિવારો દૂરના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા હોવાથી, તેમને કચેરી સુધી પહોંચીને યોજનાઓની માહિતી મેળવવી મુશ્કેલ બનતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેન લીમ્બાચીયાએ આર્મી સ્ટેશન હેડ ક્વાટર્સ, ભુજના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન સાધીને ગત તારીખ ૨૦ મેના રોજ આર્મી સ્ટેશનના સી.એસ.ડી. કેન્ટીન પરિસરમાં વેલફેર અવેરનેસ કેમ્પનું આયોજન કર્યું હતું.આ કેમ્પમાં કચેરીના સ્ટાફ દ્વારા ઉપસ્થિત પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને કેન્દ્રિય સૈનિક બોર્ડ, રાજ્ય સૈનિક બોર્ડ તથા ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્ય સૈનિક બોર્ડની વેબસાઇટ અને ડિજિટલ પહેલ તેમજ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ અમલી બનેલી વીર પરિવાર સહાયતા યોજનાની પણ સવિસ્તર સમજ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન સ્થળ પર જ નિવૃત સૈનિકો અને તેમના પરિવારજનોના પેન્શન તથા અન્ય પ્રશ્નોને સાંભળી તેના ઝડપી નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની આ પહેલને પૂર્વ સૈનિક સમુદાય દ્વારા સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો અને સહુએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટેશન કેન્ટીન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે કચેરીના સ્ટાફ સભ્ય બિસ્મીલાખાન પઠાણ, ભાવિશાબેન અજુડીયા, જયાસિંહ જોહન, જ્યોતિ દરબારસિંહ અને રીન્કુબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

Comments