અંજાર-દુધઈ-પધ્ધરની વાડીઓમાંથી ૩૮ ચોરીઓનો ભેદ ઉકેલાયો
૧પ દિવસ સુધી અંજાર પોલીસે વાડીઓમાં રેકી કરી ત્યારે આરોપીઓ પકડાયા
વાડીઓમાં થતી કેબલ ચોરી રોકવા માટે અંજાર પી.આઈ. હકુમતસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અંજાર પોલીસના કર્મચારીઓએ ૧પ દિવસ સુધી અલગ - અલગ વાડીઓમાં આ રીતે પડાવ નાખ્યો હતો અને રેકી કરીને આરોપીઓને ઝડપી લીધા હતા. લાંબા સમયથી સક્રિય બનેલા તસ્કરો પકડાયા અને ૩૮ જેટલી ચોરીઓનો ભેદ ઉકેલાતા ખેડૂતો અને વાડી માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.
ગાંધીધામ : અંજાર, દુધઈ અને પધ્ધર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી વાડીઓમાં બોરના કેબલ વાયરની સતત ચોરીઓથી ખેડૂતોમાં ફેલાયેલી ચિંતા વચ્ચે અંજાર પોલીસે મોટી સફળતા મેળવી છે. એક વર્ષથી કેબલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડી પોલીસે કુલ ૩૮ કેબલ ચોરીના બનાવોનો ભેદ ઉકેલી કાઢ્યો છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા દ્વારા ખાસ ટીમો બનાવી છેલ્લા ૧૫ દિવસથી રાત્રિ પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે રતનાલ-મોડસર રોડ નજીક વોચ દરમિયાન પોલીસે જાકબ આમદ સમા (રહે. જુના દેઢીયા, તા. ભુજ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કેબલ વાયરનું કવર અને કટર મળી આવતા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાગરિતો સાથે મળીને અંજાર, દુધઈ અને પધ્ધર વિસ્તારની વાડીઓમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન ૩૮ જેટલી કેબલ ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી હતી. તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ચોરી કરાયેલ કોપર વાયર અંજારના બે ભંગાર વેપારીઓને વેચવામાં આવતો હોવાનું પણ બહાર આવ્યું હતું. આ આધારે પોલીસે મામદ ઇશાક કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન ઇશાક કુંભારને પણ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૪૨૫ કિલોગ્રામ કોપર વાયર, એક મોટરસાયકલ અને એક શેવરોલેટ સ્પાર્ક કાર સહિત કુલ રૂ. ૪.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે મોટરસાયકલ અને કારમાં વાડી વિસ્તારમાં પહોંચતા, બોરના કેબલ કાપી કોપર અલગ કરતા અને બાદમાં તેને ભંગારમાં વેચીને આર્થિક લાભ મેળવતા હતા. મુખ્ય આરોપી જાકબ સમા સામે અગાઉ પણ ચોરી અને અન્ય ગંભીર ગુનાઓના અનેક કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓ રજાક જુસા સમા, સીધીક રહેમના સમા અને સકુર અબ્દુલકરીમ સમાની શોધખોળ તેજ કરવામાં આવી છે અને સમગ્ર ગેંગના વધુ ગુનાઓ અંગે તપાસ ચાલુ રાખવામાં
આવી છે.

Comments