Trending News
સ્થાનિક સમાચાર

ભુજના લોટસ કોલોની વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ

26 May

વહીવટી તંત્ર પક્ષપાત કરતું હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવેલા લોટસ કોલોની વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં વાતાવરણ ગરમાયું હતું. રસ્તાના નવનિર્માણ અને પહોળીકરણના બહાને માત્ર સામાન્ય નાગરિકોના રહેણાંક મકાનો તોડી પાડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 
અસરગ્રસ્ત રહીશોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા કાયદાના અમલીકરણમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. રસ્તાની લાઇન દોરીમાં પોલીસ વડાના સરકારી બંગલાની જમીનનો અમુક હિસ્સો પણ આવતો હોવા છતાં, ઉચ્ચ અધિકારીના પ્રભાવ હેઠળ તે બાજુ માર્કિંગ કરવા કે તોડફોડ કરવા તંત્ર બિલકુલ તૈયાર નથી, જ્યારે બીજી તરફ વર્ષોથી વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના આશિયાના નિર્દયતાપૂર્વક છીનવી લેવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા સ્પષ્ટ માંગ કરી હતી કે જો આ કામગીરી ન્યાયી હોય, તો તેની શરૂઆત પ્રથમ વરિષ્ઠ અધિકારીના બંગલા તરફથી કરવામાં આવે. જો ત્યાંથી ડિમોલિશન શરૂ કરાશે તો પ્રજા પણ પોતાના ઘર તોડવા દેવા તૈયાર છે, પરંતુ પક્ષપાતી વલણ રાખીને માત્ર ગરીબોને જ લક્ષાંક બનાવવામાં આવશે તો તેને સહન કરવામાં નહીં આવે.
આ દબાણ હટાવવાની ઝુંબેશ સામે લોકોનો રોષ એટલી હદે ચરમસીમાએ પહોંચ્યો હતો કે સ્થાનિકોએ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે મત માંગવા માટે રાત-દિવસ એક કરતા નેતાઓ અને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ આજે જનતા જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે સ્થળ પરથી ગાયબ છે. આ ઉપરાંત અગાઉ આ મામલે તત્કાલીન કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી અને તેમણે યોગ્ય આશ્વાસન પણ આપ્યું હતું, વિરોધને ડામવા માટે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવતા રહેવાસીઓેએ આક્રોશ ઠાલવ્યો હતો કે પોલીસના ડરથી તેઓ પીછેહઠ કરવાના નથી.
----------------- 

Comments

COMMENT / REPLY FROM