કચ્છમાં નવી સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરવા રસ ધરાવતી શાળાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ
ભુજ - કચ્છઉદય : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત કચ્છ જિલ્લામાં અથવા ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કચ્છ દ્વારા રસ ધરાવતી શાળાઓ પાસેથી સત્તાવાર અરજીઓ મંગાવવામાં આવી છે. આ શાળાની પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નક્કી થયેલા નિયમો અનુસાર જ કરવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી શાળાઓ માટે ચોક્કસ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે મુજબ શાળા ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની શિક્ષણ સુવિધા ધરાવતી હોવી જોઈએ. આ ઉપરાંત રમતગમતના મેદાન માટે શાળા પાસે ઓછામાં ઓછી ૩ એકર જમીન હોવી અનિવાર્ય છે, જેમાં શાળામાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતોની માળખાકીય સુવિધાઓનો સમાવેશ થવો જરૂરી છે. શાળામાં ભાઈ-બહેનોના નિવાસ માટે ઓછામાં ઓછા ૨૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી હોસ્ટેલની સુવિધા હોવી જોઈએ. શૈક્ષણિક ગુણવત્તાની વાત કરીએ તો, શાળાનું છેલ્લા ત્રણ વર્ષનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ કક્ષાનું પરિણામ સાતત્યપૂર્ણ હોવું જોઈએ અને લઘુત્તમ પરિણામ ૭૦ ટકા હોવું આવશ્યક છે. જે શાળાઓ પાસે પ્રાથમિક ખેલ સુવિધા અને પહેલેથી જ વિકસિત મેદાન ઉપલબ્ધ હશે તેમને આ પસંદગીમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
આ તમામ નિયત માપદંડો અને યોગ્યતા ધરાવતી રસ ધરાવતી શાળાઓએ આગામી તારીખ ૨૦ જૂનના રોજ કચેરી સમય દરમિયાન સાંજે ૬ઃ૧૦ કલાક સુધીમાં પોતાના આધાર-પુરાવા સાથેની અરજી સંબંધિત જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સરનામે રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા અથવા રૂબરૂમાં પહોંચાડવાની રહેશે. આ અંગેની વધુ વિગતો કે માહિતી મેળવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માધાપર, રામ નગરી પ્રાથમિક શાળા સામે, માધાપરની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
-----------

Comments