Trending News
ક્રાઈમ

ભુજ અને આસપાસના વિસ્તારોમાં ‘સુરતી’ અને ‘ચકલા-પોપટ’ના જુગારની જમાવટ

26 May




શ્રમજીવીઓના પરિવારો બરબાદ, પોલીસ માત્ર ‘હપ્તા’ ખોરીમાં મસ્ત? : સાંજ થાય તો મેળા જેવા માહોલ પ્રજાને દેખાય છે તો પોલીસને નહી દેખાતો હોય...?


ભુજ : પાટનગર ભુજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી જુગારની બદીએ માઝા મૂકી છે. ભુજના સરપટ નાકા, આશાપુરા રીંગ અને ભુજ બી - ડીવીઝન પોલીસ સ્ટેશનની નજીક, વાણીયાવાડ, ગીતા માર્કેટ, તુફાન સ્ટેન્ડી નજીક રાજન ફર્નિચર નજીક, સ્ટેશન રોડ નજીક, આત્મારામ સર્કલ, ઉપલી પાળ નજીક, જીઆઈડીસી તેમજ તાલુકાના માનકુવા અને માધાપર જેવા મોટા ગામોમાં વરલી મટકા, ચકલા-પોપટ અને હવે ખાસ કરીને ‘સુરતી’ના નામે ઓળખાતો જુગાર મોટા પાયે રમાઈ રહ્યો છે. રૂ. ૫૦ સામે ૧૦૦૦ જીતવાની લાલચમાં અનેક શ્રમજીવી પરિવારો પાયમાલ થઈ રહ્યા હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.જુગારના અડ્ડાઓ પર મજૂર વર્ગ અને ગરીબ માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે. રૂ. ૫૦ ના રોકાણ સામે રૂા.૧૦૦૦ ની લાલચ આપી તેમને જુગારના રવાડે ચડાવવામાં આવે છે. ક્યારેક નસીબજોગે રકમ લાગે પણ મોટા ભાગે લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવે છે. પરિણામે, ઘરોમાં આર્થિક તંગી સર્જાય છે અને પારિવારિક કંકાસના કિસ્સાઓ વધી રહ્યા છે. અનેક હસતા-રમતા પરિવારો આ બદીને કારણે બરબાદીના આરે આવી ઊભા છે. સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આટલા મોટા પાયે જુગારધામો ચાલતા હોવા છતાં પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કેમ નથી કરતી? આક્ષેપ થઈ રહ્યો છે કે પોલીસ માત્ર હપ્તા ઉઘરાવવામાં જ રસ ધરાવે છે. ક્યારેક કામગીરી બતાવવા માટે એકાદ-બે નાના માણસોને પકડીને સંતોષ માની લેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પકડાયેલા શખ્સો પણ અગાઉથી નક્કી કરેલા સેટિંગ મુજબ જ પકડાય છે અને થોડા સમયમાં છૂટી જઈને ફરી એ જ પ્રવૃત્તિ શરૂ કરી દે છે. જુગારના સંચાલકોમાં એવી પણ ચર્ચા છે કે પોલીસ સાથે ચોક્કસ પેકેજ નક્કી કરી લેવામાં આવે છે, જેથી કરીને તેમની ગેરકાયદે પ્રવૃત્તિ નિર્વિઘ્ન ચાલતી રહે. જાગૃત નાગરિકોની હવે એક જ માંગ છે દેખાડાના કેસ બંધ કરો અને ખરેખર ચાલતા જુગારના અડ્ડાઓ પર કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. 


 

Comments

COMMENT / REPLY FROM