ભુજના હમીરસર તળાવમાં ડૂબી જતા આધેડનું મોત
પાવડી પાસેના કિનારા નજીકથી દેહ શોધાયોઃ ઓળખ માટેના ચક્રો ગતિમાન કરાયા
ભુજ - કચ્છઉદય : શહેરના હમીરસર તળાવમાં એક તરફ પાણી ઓછું થઈ રહ્યું છે. હાલમાં પાવડી વાળા કિનારા પાસે પાણી છે ત્યારે આજે સવારે કોઈ વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમ દ્વારા દેહને બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં નગરપાલિકાની ફાયર ટીમને હિરેન રાઠોડે કોલ કર્યો હતો કે હમીરસર તળાવમાં પાવડી પાસે કોઈ વ્યક્તિનો દેહ તરતો જોવા મળી રહ્યો છે. જેથી ટીમ પહોંચી હતી અને રેસ્કયુ સાધનોની મદદથી દેહને બહાર કાઢવામાં આવ્યો હતો. એ ડીવીઝન પીઆઈ એમ.આર.નકુમ ટીમ સાથે પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં ઓળખ સહિતના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રેસ્કયુ કાર્યમાં ફાયર વિભાગના વિશાલ ગઢવી, વિશાલ ગોર સહિતના જોડાયા હતા. આ ઘટનાની જાણ હીરેન રાઠોડે તાત્કાલિક તંત્રને કરતા ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છતરડીના તળાવમાં હાલમાં પાણી સાવ સુકાઈ ગયું છે. રામધુનની સામે અને ઈદગાહ પાસેની સાઈડમાં પણ પાણી સુકાઈ ગયું છે. એક માત્ર પાવડી પાસે હાલમાં જળનો જથ્થો છે. આજે પણ અહીં ઘણી મહિલાઓ કપડા ધોવા માટે આવે છે. રાજેન્દ્ર બાગમાંથી તરણની પ્રવૃતિ ચાલુ છે. તેમજ નગરપાલિકાની બેદરકારીના પાપે પાવડી સાઈડ તેમજ કૃષ્ણાજી પુલ સહિતના વિસ્તારમાં કચરાના ગંજ એટલી હદે ખડકાયેલા છે કે, આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને બહાર કાઢતી વખતે ફાયર ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત વ્યક્તિને બહાર કાઢતા પહેલા કચરો બહાર કાઢવો પડે છે. કમસે કમ નગરપાલિકા તળાવની સાફ સફાઈ પર દેખરેખ રાખે, તળાવની ફરતે ઘણી જગ્યાએ આવેલી ગ્રીલ તુટી ગઈ છે તેની મરંમત કરે તો પણ આવા બનાવો અટકી શકે તેમ છે.

Comments