કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામો જાહેર
ભાજપ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પદે જેમને તક મળી છે તે મહાવીર સિંહ નલિયા વિસ્તારમાં પેઢી દર પેઢી સેવાભાવી લોક સેવકના નામે છે પ્રખ્યાત
પ્રમુખ પદે અંજારના ભીમાસર ચકાસર બેઠકના વિજેતા ઉમેદવાર પ્રભાબેન મેરામણ રબારી : ઉપપ્રમુખ પદે અબડાસાના નલિયા બેઠકના મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા : કારોબારી ચેરમેન પદે ભુજના સુપર બેઠકના હરેશભાઈ ભંડેરી થશે આરુઢ : સત્તા પક્ષના નેતા પદે ધનજીભાઈ ખીમાભાઈ ચાવડા જ્યારે દંડક પદે મેઘબાઈ જીવરાજભાઈ ગઢવીની થશે વરણી
ગાંધીધામ : લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી કચ્છ જિલ્લા પંચાયતની પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદની પસંદગી પ્રક્રિયા ભાજપ દ્વારા પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓ અને ચૂંટણી અધિકારીની
ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. આવતીકાલે આ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.ભાજપ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે અંજાર તાલુકાની ભીમાસર-ચકાસર બેઠક પરથી વિજેતા બનેલા પ્રભાબેન મેરામણભાઈ રબારીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે અબડાસા તાલુકાની નલિયા બેઠકના વિજેતા મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે.તે ઉપરાંત કારોબારી ચેરમેન પદ માટે ભુજ તાલુકાની સુપર બેઠક પરથી વિજેતા હરેશભાઈ ભંડેરીનું નામ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સાથોસાથ સત્તાપક્ષના નેતા અને દંડકના નામો અંગે પણ આંતરિક સ્તરે સહમતિ બનતા જાહેરાત કરવામાંઆવી હોવાનું જાણવા મળી રહ્યું છે.કચ્છ જિલ્લા પંચાયતને સ્થાનિક સ્વરાજની “મીની સંસદ” તરીકે ઓળખવામાં આવે છે અને આ હોદ્દેદારોની પસંદગીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવાઈ રહી હતી. ભાજપે સંગઠનાત્મક સમીકરણો અને પ્રાદેશિક પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખી આ પસંદગીઓ કરી હોવાનું મનાઈ રહ્યું છે.કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ મધ્ય કચ્છ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રભારી ફલજીભાઈ ચૌધરી જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી ઉપરાંતના ભાજપના મોભીઓ અરજણભાઈ રબારી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઇ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોળ સહિત નવની
ઉપસ્થિતિમાં આ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખ કારોબારી ચેરમેન સત્તા પક્ષના નેતા અને દંડક ના નામોની જાહેરાત કરવામાં આવી હતી
...............
મીની સંસદમાં પશ્ચિમ કચ્છનું જળવાયું પ્રભુત્વ
ગાંધીધામ : જિલ્લા પંચાયતના હોદ્દેદારોની થયેલી વરણીમાં પશ્ચિમ કચ્છનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે.
પાંચ મહત્વપૂર્ણ હોદ્દાઓમાંથી માત્ર પ્રમુખપદ અંજાર તાલુકાના ભીમાસર વિસ્તારના ફાળે ગયું છે, જ્યારે બાકીના ચાર અગત્યના હોદ્દાઓ પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોને મળ્યા છે.પ્રમુખપદ અગાઉથી જ અંજાર તાલુકાને જવાની ચર્ચા હતી અને તે મુજબ ભીમાસરને પ્રતિનિધિત્વ મળ્યું છે. ઉપપ્રમુખ તરીકે અબડાસા વિસ્તારના ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં આવ્યું છે. કારોબારી ચેરમેન તથા સત્તાપક્ષના હોદ્દા ભુજ વિસ્તારના ફાળે ગયા છે, જ્યારે દંડક તરીકે ગઢસીસાને પ્રતિનિધિત્વ મળ્યું હોવાનું સામે આવ્યું છે.આ વરણી બાદ જિલ્લા પંચાયતની “મીની સંસદ”માં પશ્ચિમ કચ્છનું રાજકીય વલણ વધુ મજબૂત બન્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
.......................
કચ્છ જિલ્લા પંચાયતની નવનિયુક્ત ટીમ ભાજપના વિકાસના મંત્રને સાકાર કરશે : પ્રભારી ફલજીભાઈ ચૌધરી
જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાબેન રબારી અને ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોએ ફોર્મ ભર્યા : કચ્છ ભાજપ પ્રભારી અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ પાઠવી શુભેચ્છા
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે જિલ્લા પંચાયતના શાસન ધુરા સંભાળનારા મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા જિલ્લાના કાર્યકરોના અભિપ્રાયો મેળવીને મોવડીમંડળ સુધી
પહોંચાડવામાં આવ્યા બાદ પક્ષ દ્વારા આ મહત્વના નામો પર આખરી મહોર મારવામાં આવી છે. જે અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાબેન રબારી અને ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે. આ નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા પંચાયતના અન્ય મહત્વના પદોની વાત કરીએ તો, કારોબારી સમિતિના ચેરમેન તરીકે હરીશભાઈ નાનજીભાઈ ભંડેરીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત પક્ષના નેતા તરીકે ધનજીભાઈ ખીમાભાઈ ચાવડા અને દંડક તરીકે મેઘબાઈ જીવરામભાઈ ગઢવીની પસંદગી કરવામાં આવી છે. આમ, ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની શાસકીય પાંખને મજબૂત કરવા માટે આ પાંચ મુખ્ય હોદ્દેદારોની ટીમની સત્તાવાર જાહેરાત કરીને જવાબદારી સોંપવામાં આવી છે.આ પ્રસંગે પક્ષના આગેવાનોએ જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, તમામ ધારાસભ્યો સહિત સમગ્ર જિલ્લાની ટીમે એકસાથે મળીને પ્રશંસનીય કામગીરી કરી છે. બૂથ સ્તરના નાનામાં નાના કાર્યકરથી માંડીને મુખ્યમંત્રી સુધીના સૌ સભ્યોએ એકજૂથ થઈને કરેલી મહેનતના પરિણામે જ કચ્છ જિલ્લા પંચાયતની કુલ ૩૮ બેઠકોમાંથી ૩૪ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય સંભવ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિકાસનો જે સંદેશ છે તે કચ્છના ગામેગામ સુધી પહોંચાડવામાં સંગઠન સફળ રહ્યું છે. નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ
પાઠવતા પક્ષના વરિષ્ઠ નેતાઓએ આશા અને મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ નવી ટીમ સમગ્ર સંગઠનને સાથે રાખીને તેમજ સરકાર સાથે યોગ્ય તાલમેલ મિલાવીને પ્રજાહિતના કાર્યોને આગળ ધપાવશે. વડાપ્રધાનના વિકાસ, વિકાસ અને માત્ર વિકાસના મૂળ મંત્રને સાકાર કરવા માટે જિલ્લા ભાજપ સંગઠનની ટીમ અને જિલ્લા પંચાયતની આ નવનિયુક્ત ટીમ ખૂબ સફળતાપૂર્વક આગળ વધશે તેવો ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Comments